Vadodara: વડોદરા શહેરમાં રસ્તાઓની હાલત દિન-પ્રતિદિન બગડતી જતી હોવાના અનેક ઉદાહરણોમાં વધુ એક બનાવ આજે સામે આવ્યો હતો. રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે રોડ પર પડેલા ખાડાના કારણે એક દંપતી દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અટલાદરા વિસ્તારમાં રહેતું દંપતી પોતાની બાઈક પર સંગમ સોસાયટી તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન રસ્તા પર મોટા ખાડા ન હોવાની ધારણા હેઠળ તેઓ આગળ વધ્યા હતા, પરંતુ અચાનક ઊંડા ખાડામાં બાઈકનું ટાયર પટકાતા સંતુલન બગડી જતા પતિ રાજુ પટેલ અને પત્ની મેઘા પટેલ રોડ પર પટકાયા હતું.
આ અકસ્માતમાં મહિલાના માથામાં ગંભીર ઇજા થઈ હતી અને માથામાંથી લોહી વહેતા જ આસપાસના લોકોએ દોડીને મદદરૂપ થઈ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. સદનસીબે રાજુ પટેલને નાની મોટી ઇર્જાઓ સિવાય ગંભીર ઇજા થઈ નહોતી. આ ઘટના બાદ સ્થાનિકોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે છેલ્લા ઘણા સમયથી આ ખાડો પડેલો હોવા છતાં પાલિકા દ્વારા કોઈ દુરસ્તી હાથ ધરવામાં આવી નથી. લોકો વારંવાર આ અંગે ફરિયાદ કરી ચૂક્યા છે છતાં, કોર્પોરેશનના કર્મચારીઓએ ખાડો પૂરવાના બદલે માત્ર ખાડા ફરતે પોલીસ બેરિકેટિંગ લગાવીને સંતોષ માન્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
વડોદરામાં ઐતિહાસિક ન્યાય મંદિરની આસપાસ રેલિંગ લગાવવાનું શરૂ
વડોદરા શહેરના હૃદયસ્થલે આવેલ ઐતિહાસિક ન્યાયમંદિર બિલ્ડીંગની જાળવણી અને સૌંદર્યીકરણનું કાર્ય વડોદરા મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. વર્ષો બાદ આ ઐતિહાસિક ધરોહર સમાન બિલ્ડીંગની આસપાસ લોખંડની રેલિંગ લગાવવાનું કામ હાથ ધરાયું છે. બિલ્ડીંગની આસપાસ અસામાજિક તત્વો દ્વારા ગંદકી ફેલાવવાની અને શૌચક્રિયા કરવાની પ્રવૃત્તિઓ અટકાવવા માટે પાલિકાએ આ પગલું ભર્યું છે.
જો કે કોર્પોરેશનની કાર્યવાહીથી ફૂલ વેચતા નાના વેપારીઓમાં રોષ ફેલાયો છે. વેપારીઓનું કહેવું છે કે, તેઓ વર્ષોથી બિલ્ડીંગની આસપાસ પોતાનો ધંધો કરતા આવ્યા છે. જો રેલિંગ લગાવી દેવામાં આવશે તો તેમને ધંધો કરવા માટે જગ્યા નહીં રહે.
આ પહેલા પણ પાલિકાએ મંગળબજાર વિસ્તારમાં સિટી બસની અવરજવર સુચારુ રહે તે માટે દુકાન બહાર રેલિંગ લગાવ્યા હતા, જે થોડા સમય બાદ ગાયબ થઈ ગયા હતા. નાગરિકોનું માનવું છે કે પાલિકાની હાલની કામગીરી સરાહનીય છે, પરંતુ રેલિંગ લગાવ્યા બાદ તેની જાળવણી અને સુરક્ષા પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. જેથી આ વારસાગત ઇમારતનું સૌંદર્ય લાંબા સમય સુધી અખંડિત રહે.
