Dahod: દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટિયાઝોલ ગામે પુલ નજીક એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. મુન્દ્રા બંદરથી મધ્ય પ્રદેશના બડવા તરફ પાઇપો ભરેલી ટ્રક જઈ રહી હતી, તે દરમિયાન અચાનક ટ્રકનું સંતુલન બગડતાં દાહોદના પાટિયાઝોલ નજીકના પુલ પાસે ટ્રક પલ્ટી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ટ્રકનો આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જ્યારે ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં ગરબાડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આ સાથે જ ગામના લોકોએ પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચીને મદદરૂપ થયા હતા. પોલીસે તાત્કાલિક જેસીબી બોલાવી ટ્રકના કેબીન તોડીને ભારે જહેમત બાદ ટ્રકના કેબીનમાં ફસાયેલા ડ્રાઇવરના મૃતદેહ બહાર કાઢ્યો હતો.
મૃતક ડ્રાઇવરનું હજી સુધી ઓળખાણ થવા પામી નથી. જો કે ટ્રકના દસ્તાવેજોને આધારે પોલીસ તેની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે. ટ્રક મુન્દ્રાથી બડવા તરફ જઈ રહી હતી, ત્યારે રસ્તામાં ભારે પાઇપોના ભારને કારણે ટ્રક સંતુલન ગુમાવતા આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
અકસ્માતની માહિતી મળતા જ ગરબાડા પોલીસ મથકના અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી અને અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૃતદેહને ગરબાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. આ દુર્ઘટનાએ વિસ્તારના લોકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
માંગરોળ નેશનલ હાઈવે પર તેલના કેન અને ડબ્બા ભરેલા આઈસરની ગુલાંટ
હજુ ગઈકાલે જ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઈવે 48 પરથી પસાર થઈ રહેલ તેલના કેન અને ડબ્બા ભરેલો એક આઈસર ટેમ્પો અચાનક પલટી ખાઈ ગયો હતો. જેના કારણે હાઈવેની એક લેન બ્લોક થઈ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા (NHAI)ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમતે આઈસર હટાવી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો.
