દેવગઢ બારિયાના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ પટેલ: પ્રાકૃતિક ખેતી અપનાવીને વાર્ષિક રૂ. 7 લાખથી વધુની કમાણી કરી અન્ય ખેડૂતો માટે બન્યા દીવાદાંડી

આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન અને પોતાની મહેનતના બળે તેમણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને વાર્ષિક રૂ. 7 લાખથી વધુની આશ્ચર્યજનક આવક મેળવવાની સાથે અન્ય ખેડૂતો માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 28 Oct 2026 12:33 PM (IST)Updated: Wed, 28 Oct 2026 12:33 PM (IST)
devgadh-baria-progressive-farmer-bharatbhai-patel-natural-farming-success-story
દેવગઢ બારિયા પ્રગતિશીલ ખેડૂત

Natural Farming Success Story Gujarat: આજના આધુનિક યુગમાં જ્યાં મોટાભાગના ખેડૂતો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ પાછળ મોટો ખર્ચ કરી રહ્યા છે, ત્યાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ પટેલે એક નવો જ રાહ ચીંધ્યો છે. આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન અને પોતાની મહેનતના બળે તેમણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને વાર્ષિક રૂ. 7 લાખથી વધુની આશ્ચર્યજનક આવક મેળવવાની સાથે અન્ય ખેડૂતો માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

naidunia_image

આત્મા પ્રોજેક્ટ અને તાલીમથી બદલાઈ જિંદગી

ભરતભાઈ પટેલ વર્ષ 2016માં 'આત્મા પ્રોજેક્ટ' સાથે સત્તાવાર રીતે જોડાયા હતા. ખેતી ક્ષેત્રે કંઈક નવું અને ઉત્તમ કરવાની લગ્નને કારણે તેમણે માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર, પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ પ્રવાસ કરીને ખેતી અંગેનું ઊંડું માર્ગદર્શન મેળવ્યું હતું. એટલું જ નહીં, તેમણે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના કુરુક્ષેત્ર સ્થિત ફાર્મ ખાતે વિશેષ તાલીમ મેળવીને પ્રાકૃતિક ખેતીની બારીકાઈઓ અને તેની વૈજ્ઞાનિક પદ્ધતિઓનું ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું હતું. આ તાલીમમાંથી પ્રાપ્ત થયેલા જ્ઞાનને તેમણે પોતાના ખેતરમાં અમલમાં મૂક્યું અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો મજબૂત પાયો નાખ્યો.

naidunia_image

વિવિધ પાકો, નર્સરી અને બાગાયતી ખેતીથી સમૃદ્ધિ

ભરતભાઈ માત્ર પરંપરાગત ખેતી સુધી સીમિત ન રહ્યા, પરંતુ તેમણે બાગાયતી ખેતી અને નર્સરી વ્યવસાયને પોતાની આવકનો મુખ્ય સ્ત્રોત બનાવ્યો છે. તેઓ પોતાના ઘરે જ નર્સરી તૈયાર કરી વિવિધ શાકભાજીના ગુણવત્તાયુક્ત રોપા ઉગાડે છે અને ઘરેથી જ તેનું સીધું વેચાણ કરીને વધારાની કમાણી મેળવે છે.

naidunia_image

તેમના ખેતરની વિશેષતાઓની વાત કરીએ તો, તેમાં બાગાયતી પાકોનું ભવ્ય વાવેતર જોવા મળે છે. ખેતરમાં આશરે 70 કેસર કેરીના આંબા, 50 નારિયેળનાં વૃક્ષો, 50 જામફળનાં વૃક્ષો, 100 દાડમનાં વૃક્ષો અને લાંબા ગાળાના આર્થિક રોકાણ સમાન આશરે 450 ચંદનનાં વૃક્ષો સફળતાપૂર્વક ઉછેરવામાં આવ્યા છે. આ વિવિધ પ્રકારના પાકો અને બાગાયતથી તેમને વર્ષભર નિયમિત અને ઉત્તમ આવક પ્રાપ્ત થઈ રહી છે.

રાસાયણિક મુક્ત ખેતી અને જીવામૃતનો પ્રયોગ

પોતાના અનુભવ વિશે વાત કરતા ભરતભાઈ જણાવે છે કે, “જ્યારે મેં વર્ષ 2016માં આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને પ્રાકૃતિક ખેતી શરૂ કરી, ત્યારે શરૂઆતમાં મનમાં અનેક શંકાઓ હતી કે શું ખરેખર ગાય આધારિત ખેતીથી પૂરતો પાક લઈ શકાશે? પરંતુ બહારના રાજ્યો અને પ્રશિક્ષણ શિબિરોમાં તાલીમ લીધા બાદ સ્પષ્ટ થઈ ગયું કે રાસાયણિક દવાઓ અને મોંઘા ખાતરો વિના પણ સમૃદ્ધ ખેતી શક્ય છે.”

naidunia_image

તેઓ ખેતીમાં બહારથી મોંઘા ખાતરો ખરીદીને લાવવાને બદલે પોતાના ઘરે જ કુદરતી રીતે જીવામૃત, ઘન જીવામૃત અને વર્મીકમ્પોસ્ટ (અળસિયાનું ખાતર) તૈયાર કરે છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે, રાસાયણિક ખાતરો પરનો આર્થિક બોજ ઘટે છે અને પાકને પૂરતા પોષક તત્વો મળી રહે છે. જેના પરિણામે બજારમાં ઉત્તમ ગુણવત્તાવાળી પેદાશોની માંગ હંમેશા જળવાઈ રહે છે.

naidunia_image

સમગ્ર પંથકના ખેડૂતો માટે પ્રેરણારૂપ સંદેશ

દાહોદ જિલ્લાના અન્ય ખેડૂતોને પ્રેરણા આપતા ભરતભાઈ હાર્દિક અપીલ કરે છે કે, ખેડૂતોએ રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓનો અતિશય ઉપયોગ ત્યજીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. પ્રાકૃતિક ખેતીથી જમીનની સજીવ ફળદ્રુપતા પેઢીઓ સુધી ટકી રહે છે, ખેતી પાછળ થતો મબલખ ખર્ચ શૂન્યવત થઈ જાય છે અને ખેડૂતની શુદ્ધ આવકમાં મોટો વધારો થાય છે. આ સાથે ઝેરમુક્ત અન્ન ઉત્પન્ન થવાથી સમાજના નાગરિકોનું સ્વાસ્થ્ય પણ નિરોગી રહે છે. ભરતભાઈનો આ સફળ પ્રવાસ આજે સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે આત્મનિર્ભર બનવાની નવી રાહ ચીંધે છે.