શિક્ષકમાંથી સફળ કૃષિ-ઉદ્યોગસાહસિક બન્યા અલ્પેશભાઈ પટેલ, પ્રાકૃતિક ખેતી અને તેલ પ્રોસેસિંગથી મેળવી રૂ. 20 લાખની વાર્ષિક આવક

મહુન્દ્રાના શિક્ષક અલ્પેશભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી, મીની ઓઇલ મિલ અને ફેમિલી ફાર્મર મોડેલ અપનાવીને વાર્ષિક 20 લાખની આવક મેળવી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 13 Aug 2026 06:00 AM (IST)Updated: Thu, 13 Aug 2026 06:00 AM (IST)
alpeshbhai-patels-rs-20-lakh-natural-farming-success-story

Natural farming success story: જો પરંપરાગત ખેતી પદ્ધતિમાં આધુનિક વિઝન, પ્રાકૃતિક અભિગમ અને પાકનું યોગ્ય મૂલ્ય વર્ધન (Value Addition) ઉમેરવામાં આવે તો ખેતી એક નફાકારક વ્યવસાય બની શકે છે. આ વાતને સાર્થક કરી બતાવી છે વાસણા ચૌધરીના વતની, ગૌ-પ્રેમી અને સરકારી શાળાના આચાર્ય અલ્પેશભાઈ પટેલે. મહુન્દ્રા ગામમાં પોતાની 12 એકર જમીનમાં 2018-19થી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહેલા અલ્પેશભાઈ આજે રાજ્યભરના ખેડૂતો માટે પ્રેરણાનું સ્રોત બન્યા છે.

રાસાયણિક ખાતરનો ખર્ચ શૂન્ય: જમીનનું જતન

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતીના અભિયાનથી પ્રેરિત થઈને અલ્પેશભાઈ પોતાની 12 એકર જમીનમાં મગફળી, બાજરી અને બટાકા જેવા પાકોનું કુદરતી રીતે ઉત્પાદન કરે છે.

પોતાના ખેતરમાં સ્થાપિત બાયોગેસ પ્લાન્ટ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે- અમારા ખેતરમાં જંતુનાશક દવાઓ કે રાસાયણિક ખાતરો પાછળ એક પણ રૂપિયો ખર્ચાતો નથી. બાયોગેસમાંથી મળતી સ્લરી, ગૌમૂત્ર અને ઘન જીવામૃત જ આપણી જમીનની ફળદ્રુપતા વધારે છે. આનાથી પાકનો ઉત્પાદન ખર્ચ સાવ ઘટી જાય છે અને લોકો માટે શુદ્ધ આહાર તૈયાર થાય છે.

'સુરભી કલ્ચર ઓર્ગેનિકસ' અને ફેમિલી ફાર્મર કોન્સેપ્ટ

માત્ર પાક પકવવા પૂરતા સીમિત ન રહેતાં, તેમણે સીધા ગ્રાહકો સુધી પહોંચવા માટે 'સુરભી કલ્ચર ઓર્ગેનિકસ' નામની બ્રાન્ડ રજૂ કરી છે. શહેરી પરિવારો માટે તેમણે 'ફેમિલી ફાર્મર' કન્સેપ્ટ શરૂ કર્યો છે, જેમાં અનેક ઘરો સીધા જ તેમના ફાર્મ સાથે જોડાયેલા છે.

આ મોડેલથી વચેટિયાઓ દૂર થતાં ગ્રાહકોને શુદ્ધ ઝેરમુક્ત ખોરાક મળે છે અને ખેડૂતને પણ પોતાની ઉપજના પૂરા દામ મળે છે. વિશેષ વાત એ છે કે, અલ્પેશભાઈ પોતાની આ બ્રાન્ડ હેઠળ રાજ્યના અન્ય પ્રાકૃતિક ખેડૂતોના ઉત્પાદનોનું પણ વેચાણ કરાવીને તેમને આર્થિક સપોર્ટ પૂરો પાડે છે.

સરકારી યોજનાથી શરૂ કરી મીની ઓઇલ મિલ: બમણી થઈ કમાણી

ખેતીવાડી વિભાગની પાક મૂલ્ય વૃદ્ધિ યોજનાનો લાભ લઈને અલ્પેશભાઈએ પોતાના ફાર્મ પર જ 'મીની ઓઇલ મિલ' સ્થાપિત કર્યું છે.

મગફળીને સીધી માર્કેટમાં વેચવાને બદલે તેનું શુદ્ધ તેલ બનાવીને વેચવાથી તેમની આવકમાં મોટો ઉછાળો આવ્યો છે. માત્ર એક જ સિઝનમાં તેમણે અંદાજે 50 ડબ્બા તેલનું સીધું ગ્રાહકોને વેચાણ કરીને બમણો મુનાફો મેળવ્યો છે.

ખેડૂતો માટે પ્રેરણારૂપ સફળતા

શિક્ષણ ક્ષેત્રે સેવા આપવાની સાથે ગૌ-સેવા, પ્રાકૃતિક ખેતી અને પ્રોસેસિંગ મોડેલનો સુમેળ સાધીને અલ્પેશભાઈ પટેલ આજે વાર્ષિક રૂ. 20 લાખની આવક મેળવી રહ્યા છે. તેમનું આ સફળ મોડેલ સાબિત કરે છે કે સરકારી યોજનાઓનો યોગ્ય ઉપયોગ અને નવીન સોચ ખેડૂતને માત્ર ઉત્પાદક મટાડીને એક સફળ બ્રાન્ડ મેનેજર બનાવી શકે છે.