Vadodara: કૂતરું આડું ઉતરતાં બાઈક પરથી પટકાયેલું દંપતી નંદવાયું, પતિની નજર સામે જ વાહનના પૈડા પત્ની પરથી પસાર થઈ જતાં મોત

દંપતી વડોદરામાં રહેતા પુત્રને મળીને બાઈક પર અંકલેશ્વર તરફ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક રસ્તામાં કૂતરું આવી જતાં પતિએ બ્રેક મારતા બન્ને નીચે પટકાયા

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 28 Dec 2025 08:51 PM (IST)Updated: Sun 28 Dec 2025 08:51 PM (IST)
vadodara-news-couple-got-an-accident-due-to-stray-dog-wife-dead-663679
HIGHLIGHTS
  • વડોદરા શહેરની નજીક સુંદરપુરા પાટીયા નજીક અકસ્માત સર્જાયો
  • અકસ્માત સર્જી ફરાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ

Vadodara: વડોદરા શહેર નજીક નેશનલ હાઈવે નંબર–48 પર વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. સુંદરપુરા પાટીયા નજીક કૂતરું આડે આવતા બ્રેક મારતા દંપતી નીચે પટકાયું હતું. આ સમયે પાછળથી આવેલા અજાણ્યા વાહનના પૈડાં ફરી વળતાં પતિની નજર સમક્ષ પત્નીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતા કપુરાઈ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કપુરાઈ પોલીસ મથકે ફરિયાદી યજ્ઞેશભાઈ નટવરભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાની પત્ની જયશ્રીબેન સાથે મોટર સાયકલ પર અમદાવાદથી સુરત તરફ જતા નેશનલ હાઈવે–48 પરથી અંકલેશ્વર તરફ જઈ રહ્યા હતા. તેઓ વડોદરાના ગોત્રી રોડ સ્થિત લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા શિવાલયા રેસિડેન્સીમાં રહેતા પોતાના દીકરા કેનનને મળીને પરત ફરી રહ્યા હતા.

સવારે જ્યારે તેઓ વડોદરા શહેર નજીક સુંદરપુરા પાટીયા પાસે પહોંચ્યા, ત્યારે અચાનક એક કૂતરું રોડ પર આવી ચડ્યું હતું. આથી અકસ્માત ટાળવા માટે યજ્ઞેશભાઈએ તરત જ બ્રેક મારી હતી. જેના કારણે મોટર સાયકલ જમણી બાજુએ સ્લિપ ખાઈ ગઈ અને પતિ–પત્ની બંને રોડ પર પટકાઈ ગયા હતા.

આ સમયે જ પાછળથી પૂરપાટ આવતા અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન બેદરકારીપૂર્વક હંકારતા રોડ પર પટકાયેલા જયશ્રીબેન પરથી તેના પૈડા ફરી વળ્યા હતા. આ અકસ્માતમાં જયશ્રીબેનને પેટ તેમજ સાથળના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. જ્યારે યજ્ઞેશભાઈને નાની-મોટી ઈજા થઈ હતી.

બીજી તરફ અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક કોઈ મદદ કર્યા વિના પોતાનું વાહન પુરઝડપે હંકારીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જ્યારે આ બાબતની જાણ થતાં ઘટના સ્થળે આવેલી કપુરાઈ પોલીસની ટીમે જયશ્રીબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. હાલ તો પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.