Manjalpur Bypoll: વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા આખરે પોતાના ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ભાજપના સતીશ પટેલની સામે કોંગ્રેસે સીનિયર નેતા ભીખાભાઈ રબારીને ટિકિટ આપી છે.
કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી વડોદરાના રાજકારણનો એક મજબૂત અને અનુભવી સ્તંભ ગણાય છે. તેઓ 1975, 1980 અને 1985માં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ચૂક્યા છે. તેમજ અમરસિંહ ચૌધરીની સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
આ ઉપરાંત ભીખાભાઈ રબારી કોર્પોરેટર, વડોદરા ડેરીના ડાયરેક્ટર અને એમ. એસ. યુનિવર્સિટીના સેનેટ સભ્ય રહી ચૂક્યા છે. મોંઘવારી અને સ્થાનિક પ્રશ્નો મુદ્દે સતત લડત આપતા ભીખાભાઈ માલધારી સમાજ અને પછાત વર્ગોમાં મજબૂત પકડ ધરાવે છે. ટિકિટ મળતા જ તેમણે હકારાત્મક રાજનીતિની વાત કરી જનતા પાસે વિપક્ષ તરીકે અવાજ ઉઠાવવા માટે 'છેલ્લી તક' માંગી છે.
ભાજપના સતીશ પટેલ સામે ભીખાભાઈની સીધી ટક્કર
માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા છાણી વિસ્તારના સતીશ પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. સતીશ પટેલ પણ વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ ઉપરાંત વડોદરા મનપામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે.
કોંગ્રેસની 'વિજય વિશ્વાસ સંકલ્પ સભા' અને ફોર્મ વિતરણ
ભીખાભાઈ રબારીના સમર્થનમાં સોમવાર, 13 જુલાઈના રોજ સવારે 10 વાગ્યે દાંડિયાબજાર સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે 'વિજય વિશ્વાસ સંકલ્પ સભા' યોજાશે. આ સભામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, મધ્ય ગુજરાતના પ્રભારી રામકિશન ઓઝા અને વિધાનસભાના વિપક્ષી નેતા તુષાર ચૌધરી સહિતના અગ્રણીઓ હાજર રહેશે. સંકલ્પ સભા પૂર્ણ થયા બાદ ભીખાભાઈ રબારી વિધિવત રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. આ પ્રસંગે કોંગ્રેસે કાર્યકરોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહવાન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, માંજલપુર વિધાનસભા બેઠક પરના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી બેઠક પર આગામી 30 જુલાઈએ પેટાચૂંટણી યોજવાની છે, જ્યારે 3 ઓગસ્ટે પરિણામ જાહેર થશે. આ બેઠક પર પાટીદાર ચહેરા અને સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માંગને પગલે ભાજપે સતીશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા માલધારી સમાજના ભીખાભાઈ રબારી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે, ત્યારે પેટાચૂંટણીમાં પાટીદાર અને માલધારી સમાજના ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર થશે.
