Leelaler Startup Vadodara: વૈશ્વિક સ્તરે ફેશન ઉદ્યોગ આજે પ્રદૂષણનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે. ખાસ કરીને કૃત્રિમ તંતુઓ અને રસાયણયુક્ત રંગોના વધતા ઉપયોગને કારણે પર્યાવરણ પર ગંભીર અસર પડી રહી છે. આવા સમયે વડોદરાથી કાર્યરત સ્ટાર્ટઅપ લીલાલેર સ્વદેશી કપાસ, કુદરતી રંગો અને પરંપરાગત ભારતીય હસ્તકળાના સમન્વયથી સંપૂર્ણપણે કમ્પોસ્ટેબલ વસ્ત્રો તૈયાર કરીને ટકાઉ વિકાસની દિશામાં અનોખી પહેલ કરી રહ્યું છે.
લીલાલેરની સ્થાપના શૈલા નામ્બિયાર, જેમણે અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID)માંથી ટેક્સટાઇલ ડિઝાઇનમાં માસ્ટર્સ કર્યું છે, અંશુલ રાજબંશી, MBA સ્નાતક અને ઓર્ગેનિક ખેતી પ્રત્યે સમર્પિત ખેડૂત, તેમજ સાગર દેશપાંડે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના એપ્લાઇડ આર્ટ્સ અને ગ્રાફિક ડિઝાઇન ક્ષેત્રના નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો
કચ્છ સહિત ભારતના વિવિધ પ્રદેશોની યાત્રા દરમિયાન તેમને ભારતીય ટેક્સટાઇલ પરંપરા, સ્વદેશી કપાસની જાતો અને સ્થાનિક હસ્તકળામાં રહેલી સંભાવનાઓનો અનુભવ થયો. આ અનુભવમાંથી જ પર્યાવરણને જોખમી ન હોય અને સંપૂર્ણપણે કુદરતી વસ્ત્રો બનાવવાનો વિચાર જન્મ્યો.
લીલાલેર 'Seed to Stitch' અભિગમ સાથે સંપૂર્ણ કમ્પોસ્ટેબલ વસ્ત્રો તૈયાર કરતી અનોખી પહેલ
લીલાલેર 'Seed to Stitch' અભિગમને અનુસરે છે, જેમાં કપાસના બીજથી લઈને તૈયાર વસ્ત્ર સુધીની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા, કુદરતી સામગ્રી અને પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપવામાં આવે છે. ઉત્પાદનની દરેક કડીમાં ખેડૂતો, સૂતર કાંતનાર, વણકરો, કુદરતી રંગકામ કરનાર અને દરજીઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે.
સ્ટાર્ટઅપ હાલમાં કચ્છના કલા કોટન અને મહારાષ્ટ્રના બ્રાઉન કોટન જેવી સ્વદેશી તથા પુનર્જીવિત (રિજનરેટિવ) ખેતીને પ્રોત્સાહન આપતી વરસાદ આધારિત કપાસની જાતોનો ઉપયોગ કરે છે. આ વરસાદ આધારિત કપાસ ઓછા સંસાધનોમાં ઉગે છે, જમીનની તંદુરસ્તી જાળવવામાં મદદરૂપ બને છે અને સ્થાનિક ખેડૂતોને પ્રોત્સાહન આપે છે. કાચો માલ મુખ્યત્વે કચ્છ, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાંથી મેળવવામાં આવે છે, જ્યારે સ્ટિચિંગનું કાર્ય વડોદરામાં કરવામાં આવે છે.

લીલાલેરનું વિશેષતા એ છે કે, વસ્ત્રનો દરેક ઘટક શક્ય તેટલો કુદરતી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાથથી કાંતેલા અને હાથથી વણાયેલા કાપડ, કુદરતી વનસ્પતિ આધારિત રંગો, 100 ટકા ઓર્ગેનિક કપાસના સિલાઈ દોરા, નાળિયેરની છાલમાંથી બનેલા બટન, કુદરતી રબરથી તૈયાર ઇલાસ્ટિક અને કુદરતી ઇન્ડિગો શાહીથી તૈયાર લેબલનો ઉપયોગ કરવામાં આવે છે.
કુદરતી શાહી વિકસાવવા માટે ટીમે લગભગ આઠ મહિનાનો સંશોધન કર્યો હતો. સંપૂર્ણ કુદરતી વિકલ્પ ઉપલબ્ધ ન હોવાથી ઝિપરનો ઉપયોગ ટાળીને વસ્ત્રોની ડિઝાઇનમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા.
પરંપરાગત ફેશન ઉદ્યોગમાં પોલિયેસ્ટર, કૃત્રિમ દોરા અને રસાયણયુક્ત રંગોનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી વસ્ત્રો સરળતાથી જમીનમાં વિઘટિત થતા નથી. લીલાલેર આપડકારનો ઉકેલ સર્ક્યુલર ફેશનના સિદ્ધાંત દ્વારા રજૂ કરે છે, જેમાં વસ્ત્રનો આખો જીવનચક્ર ધ્યાનમાં રાખીને તેની રચના કરવામાં આવે છે, જેથી ઉપયોગ બાદ તે ફરીથી કુદરતમાં ભળી શકે.

સ્ટાર્ટઅપ દ્વારા તૈયાર કરાયેલા કમ્પોસ્ટેબલ વસ્ત્રોની પર્યાવરણીય અસરનું મૂલ્યાંકન કરવા માટે 12 અઠવાડિયા સુધી જમીનમાં કમ્પોસ્ટિંગ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) એગ્રોટેક દ્વારા કરવામાં આવેલા માટી પરીક્ષણમાં જમીનના કેટલાક પોષક તત્ત્વો અને ગુણવત્તા પરિમાણોમાં સુધારો નોંધાયો હતો. પરીક્ષણ દરમિયાન વસ્ત્ર સંપૂર્ણપણે જમીનમાં વિઘટિત થઈ ગયું, જે તેની બાયોડિગ્રેડેબિલિટી અને પર્યાવરણમૈત્રી ગુણધર્મોને દર્શાવે છે.
પારદર્શિતાને પ્રોત્સાહન આપવા માટે દરેક વસ્ત્ર પર QR કોડ આપવામાં આવે છે, જેના દ્વારા ગ્રાહકો કપાસના સ્ત્રોત, કુદરતી રંગો, ઉત્પાદન પ્રક્રિયા અને વસ્ત્રની જાળવણી અંગેની માહિતી મેળવી શકે છે.

લીલાલેર હાલમાં 100 થી 150 ગ્રામિણ કારીગરો અને તેમના પરિવારોને રોજગારી સાથે જોડે છે. ખેડૂતો, સૂતર કાંતનાર, વણકરો, કુદરતી રંગકામ કરનાર અને દરજીઓ સહિત સમગ્ર મૂલ્ય શૃંખલાને રોજગાર સાથે જોડીને આ પહેલ ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવવાની સાથે પરંપરાગત ભારતીય હસ્તકળાના સંવર્ધનમાં પણ યોગદાન આપી રહી છે.
સ્થાપકોના જણાવ્યા અનુસાર, તેમનો આગામી હેતુ ભારતના વિવિધ રાજ્યોની સ્વદેશી કપાસની જાતો, રેશમ અને પરંપરાગત વણાટને શોધી તેને આધુનિક અને સસ્ટેનેબલ જીવનશૈલી સાથે જોડવાનો છે. તેમના મતે ભારતનો સમૃદ્ધ ટેક્સટાઇલ વારસો માત્ર સાંસ્કૃતિક ઓળખ જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને ગ્રામિણ વિકાસ માટે પણ મહત્વપૂર્ણ બની શકે છે.
