Surat: સુરતમાં પોતાનાથી અલગ રહેતી પત્નીને પતિએ જાહેર રોડ પર બેરહેમીથી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. આ મામલે પત્નીની ફરિયાદના આધારે ઉત્રાણ પોલીસે ગુનો નોંધીને પતિને ઝડપી પાડ્યો છે.
7 વર્ષથી અલગ રહેતી પત્નીનો પતિ સામે ફેમિલી કોર્ટમાં કેસ ચાલે છે
સુરતના અમરેલી વિસ્તારમાં પોતાના પિતા ઘરે રહેતી 34 વર્ષીય મહિલાના લગ્ન 2010માં મૂળ બોટાદના અમરશી નામના યુવક સાથે થયા હતા. જો કે લગ્ન બાદ અણબનાવને પગલે 2019થી પત્ની પતિથી અલગ પોતાના પિતાના ઘરે રહે છે. પત્નીએ પતિ સામે કેસ કરતાં હાલ આ મામલો ફેમિલી કોર્ટમાં ચાલી રહ્યો છે.
ગઈકાલે 11 જુલાઈના રોજ મહિલા પોતાની દીકરીને સ્કૂલે મૂકીને મોપેડ પર ઘરે પરત ફરી રહી હતી. આ સમયે ઉત્રાણ સ્થિત મોટા વરાછા પ્રગતિ આઈટી પાર્ક સામે એક કાર સામે આવીને ઉભી રહી હતી. જેમાં તેનો પતિ એક મહિલા સાથે આવ્યો હતો.
પત્ની કંઈ સમજે તે પહેલા જ પતિ કારમાંથી નીચે ઉતર્યો હતો અને 'તું કેમ મારા રસ્તામાં આડી આવી?' તેમ કહીને ગાળો ભાંડવા લાગ્યો હતો. આથી પત્નીએ ગાળો બોલવાની ના પાડતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને ઢીક્કા-પાટુનો માર મારવા લાગ્યો હતો. આ સમયે રાહદારીઓ અને વાહન ચાલકો એકઠા થઈ જતાં પતિ પત્નીને બેરહેમીથી ફટકારતા કારની પાછળ લઈ ગયો હતો.
'તારા લીધે અમારે ઝઘડા થાય છે'- કહેતા પતિ સાથે આવેલી મહિલાએ પત્નીને તમાચો ચોડી દીધો
જ્યાં પત્નીએ કારનો દરવાજો ખોલીને અંદર બેઠેલી મહિલાને 'તારા લીધે અમારે ઝઘડા થાય છે' તેમ કહેતા મહિલાએ પણ પત્નીને ઝાપટ મારી દીધી હતી. જ્યારે પતિએ ધમકી આપી હતી કે, આજે તો તને જીવતી જવા દઉ છું, ફરી વખત મળીશ તો જીવતી નહીં રહેવા દઉ તેવી ધમકી આપી હતી.
આ દરમિયાન એકઠા થયેલા લોકોએ પત્નીને પતિની ચુંગાલમાંથી છોડાવી હતી. જે બાદ પત્નીએ 112 પર કોલ કરતાં પોલીસની ટીમ સ્થળ પર આવી ગઈ હતી. જ્યાંથી ઈજાગ્રસ્ત મહિલાને 108ની મદદથી સારવાર અર્થે સ્મીમેર લઈ જવામાં આવી હતી. આ મામલે ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિને ઝડપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
