VIDEO: પલસાણામાં અઢી ફૂટના નોળિયા સામે ખુંખાર દીપડી લાચાર બની, ચારેક મિનિટનો રોમાંચક જંગ કેમેરામાં કેદ

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વણેસા ગામમાં એક દીપડી નોળિયાનો શિકાર કરવા ગઈ હતી, પરંતુ નોળિયાએ આક્રમક રીતે પ્રતિકાર કરીને દીપડીને ભાગવા મજબૂર કરી દીધી. આ દુર્લભ વન્યજીવ સંઘર્ષને જતીન રાઠોડે કેમેરામાં કેદ કર્યો હતો, જે બહાદુરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 06 Nov 2026 09:08 PM (IST)Updated: Fri, 06 Nov 2026 09:08 PM (IST)
surat-news-palsana-leopard-vs-mongoose-fight-4-minute-thrilling-battle-caught-on-camera

Surat: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વણેસા ગામમાં વન્યજીવો વચ્ચેની એક દુર્લભ ઘટના સામે આવી છે. જેમાં એક દીપડી નોળિયાનો શિકાર કરવા ગઈ હતી, પરંતુ કદમાં નાના નોળિયાએ માત્ર બચાવનો પ્રયાસ જ નહીં, પરંતુ દીપડી પર આક્રમક રીતે હુમલો કરીને તેને ત્યાંથી ભાગવા મજબૂર કરી દીધી હતી.

વણેસા ગામના આયુષ હળપતિ સાંજના સમયે ભિમાડાથી અમલસાડી દૂધ મંડળી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ભિમાડા અને ગોટિયા ફળિયા વચ્ચે આવેલી એક પડતર જગ્યામાં તેમની નજર દીપડી પર પડી હતી. દીપડીને આ રીતે બેઠેલી જોઈ તેમણે તાત્કાલિક ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના જતીન રાઠોડને જાણ કરી હતી.

ભારતીય સેના માટે મોટી સિદ્ધિઃ સુરતની કંપનીએ લદ્દાખમાં 18 હજાર ફૂટની ઊંચાઈ પર 'અદ્વિક' ડ્રોનનું સફળ પરીક્ષણ કર્યું

જેથી જતિન રાઠોડ પણ સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન આસપાસના લોકો પણ ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં દીપડીની ઉંમર અંદાજે અઢી વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું. તે શિકારની શોધમાં ત્યાં બેઠી હોવાનું જણાયું હતું.

થોડીવાર બાદ દીપડીએ એક અઢી ફૂટના નોળિયાને નિશાન બનાવ્યો હતો. ધીમે ધીમે તેની નજીક પહોંચ્યા બાદ તેણે અચાનક કૂદકો મારી શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, દીપડીના હુમલાથી ગભરાવાને બદલે નોળિયાએ પણ સામેથી પ્રતિકાર શરૂ કર્યો હતો. જે બાદ બંને વચ્ચે જોરદાર સંઘર્ષ થયો હતો.

આશરે અઢી ફૂટના નોળિયાએ દીપડી પર એવો પલટવાર કર્યો કે તેણે દીપડીનું મોઢું પકડી લીધું હતું. એટલું જ નહીં, નોળિયાના હુમલામાં દીપડી બે વખત ગુલાટી ખાઈ ગઈ હતી. આટલું થયા છતાં નોળિયો પીછેહઠ કરવાને બદલે દીપડી તરફ આગળ વધતો રહ્યો હતો.નોળિયાનો આક્રમક મિજાજ જોઈ દીપડીએ આખરે પીછેહઠ કરી હતી અને શિકાર કર્યા વિના જ ત્યાંથી ભાગી છૂટી હતી.

આ સમગ્ર ઘટનાના દૃશ્યો જતીન રાઠોડે પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. વન્યજીવો વચ્ચે ભાગ્યે જ જોવા મળતી આ અથડામણના દૃશ્યો હાલ ખાસ ચર્ચાનો વિષય બન્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કદ ભલે નાનું હોય, પણ બહાદુરી આગળ મોટા શિકારીઓએ પણ પાછા પગ કરવા પડે છે. અહીં શિકાર કરવા પહોંચેલી દીપડીને જ નાના નોળિયા સામે પીછેહઠ કરવી પડી હતી.