ભારતીય સેના માટે મોટી સિદ્ધિઃ સુરતની કંપનીએ લદ્દાખમાં 18 હજાર ફૂટની ઊંચાઈ પર 'અદ્વિક' ડ્રોનનું સફળ પરીક્ષણ કર્યું

સુરતની insideFPV કંપનીએ ભારતીય સેના માટે બનાવેલા 'અદ્વિક' FPV ડ્રોનનું લદ્દાખમાં 18 હજાર ફૂટની ઊંચાઈ પર સફળ પરિક્ષણ કર્યું છે. આ ડ્રોને ઇલેક્ટ્રોનિક જામિંગ સિસ્ટમ સક્રિય હોવા છતાં સતત સંપર્ક જાળવી રાખીને તેની એન્ટી-જામિંગ ક્ષમતા સાબિત કરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 06 Nov 2026 07:15 PM (IST)Updated: Fri, 06 Nov 2026 07:15 PM (IST)
insidefpv-successfully-tests-suicide-fpv-drone-at-18000-ft-in-ladakh

insideFPV FPV Drone Ladakh Test: ભારતે ડિફેન્સ સેક્ટરમાં એક અગત્યની સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં ગુજરાતના સુરત સ્થિત ડિફેન્સ ટેક્નોલોજી કંપની insideFPVએ ભારતીય સેના માટે બનાવેલા આત્મઘાતી FPV ડ્રોનનું લદ્દાખમાં 18 હજાર ફૂટની ઊંચાઈ પર સફળ પરિક્ષણ કર્યું છે. ખાસ વાત એ છે કે, ઈલેક્ટ્રોનિક જામિંગ સિસ્ટમ એક્ટિવ હોવા છતાં ડ્રોન સતત સંપર્કમાં રહ્યું હતુ. હવે કંપનીએ પોતાના સ્વદેશી ડ્રોન અદ્વિક ભારતીય સેનાને સોંપી દીધુ છે.

પ્રથમવાર કોઈ ભારતીય કંપનીએ ઈલેક્ટ્રોનિક વૉરફેરની સ્થિતિમાં આટલી ઊંચાઈ પર કામિકાઝે FPV ડ્રોનનું સફળ પરિક્ષણ કર્યું છે. આ દરમિયાન એડવાન્સ ડ્રોન ડિફેન્સ સિસ્ટમ જેવા ઈલેક્ટ્રોનિક જામિંગ ઉપકરણો એક્ટિવ રાખવામાં આવ્યા હતા. આમ છતાં ડ્રોને પોતાનો કંટ્રોલ અને કોમ્યુનિકેશન જાળવી રાખ્યો હતો, જેનાથી તેની એન્ટી જામિંગ ક્ષમતાનો પરિચય થયો છે.

વર્તમાન સમયમાં આધુનિક યુદ્ધોમાં નાના એટેક ડ્રોન સામે ઈલેક્ટ્રોનિં જામિંગ એક મોટો પડકાર છે. યૂક્રેન યુદ્ધમાં પણ કોમ્યુનિકેશન બાધિત થતાં મોટી સંખ્યામાં FPV ડ્રોન ગુમાવવાનો વારો આવ્યો હતો. જામર સક્રિય થવા પર ડ્રોન અને તેના ઑપરેટર વચ્ચે સંપર્ક તૂટી શકે છે, જેના પરિણામે મિશન પુરુ કરવું મુશ્કેલ બની જાય છે.

આ સમસ્યાના ઉકેલ માટે insideFPVએ અનેક રેડિયો ફ્રિકવન્સીને સ્પેશિયલ હાર્ડવેર સાથે સાંકળીને એક મજબૂત કોમ્યુનિકેશન લિન્ક તૈયાર કરી છે, જે ઈલેક્ટ્રોનિક હસ્તક્ષેપ છતાં મિશન પાર પાડી શકે છે.

કંપનીએ દાવો કર્યો છે કે, આ ટેક્નોલોજીમાં વજન અને વીજળીનો વપરાશ ઓછો રાખવામાં આવ્યો છે, જેથી ડ્રોનના કેમેરાને ઉડવામાં કોઈ મુશ્કેલી ના થાય. મોટાભાગે એન્ટી જામિંગ ટેક્નોલોજી ધરાવતા ડ્રોન ખૂબ જ મોંઘા હોય છે. જેની સરખામણીમાં કંપનીએ વજનમાં હલકુ અને ઓછા ખર્ચે ડ્રોન તૈયાર કરવા પર ધ્યાન આપ્યું છે.

ડ્રોનની ક્ષમતા ચકાસવા માટે લદ્દાખની પસંદગી કરવાનું કારણ, ત્યાં વધુ ઊંચાઈ, હવાનું ઓછું ઘનત્વ (એર ડેન્સિટી) અને અતિશય ઠંડી જેવી વિવિધ પડકારજનક સ્થિતિઓ રહેલી છે. લગભગ 18 હજાર ફૂટની ઊંચાઈ પર હવાનું ઘનત્વ ઓછું હોવાને કારણે ડ્રોનની ઉડાન અને તેના પ્રોપેલરની કાર્યક્ષમતા પર અસર પડે છે.

આ સાથે જ થીજવી દે તેવી ઠંડીમાં બેટરીનું પરફોર્મન્સ પણ નબળું પડી શકે છે. જો આ ટેક્નોલોજી આટલી ઊંચાઈ પર કામ કરી શકતી હોય, તો દેશની સરહદો પર અન્ય સ્થિતિઓમાં પણ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે.