Vadodara: આજે ચૈત્ર સુદ આઠમ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ એટલે કે રામનવમીનો પવિત્ર તહેવાર છે. આ મંગલ અવસરે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના રણશિંગું ફૂંકતા વડોદરા શહેર કોંગ્રેસ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઈ છે. કોંગ્રેસે આજથી જ શહેરમાં પોતાના ચૂંટણી પ્રચારના વિધિવત રીતે શ્રીગણેશ કર્યા છે.
ધાર્મિક આસ્થા સાથે રાજકીય પ્રારંભ
ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા પહેલા વડોદરા શહેર કોંગ્રેસના તમામ અગ્રણીઓએ શહેરના સુપ્રસિદ્ધ બહુચરાજી માતાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ભક્તિમય વાતાવરણ વચ્ચે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી કોંગ્રેસે આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જનતાનો વિશ્વાસ જીતવા અને જનસંપર્ક વધારવા માટે કમર કસી છે.
'ઓટોરિક્ષા સ્ટીકર અભિયાન' દ્વારા લોકસંપર્ક
શહેરના દરેક ખૂણે અને સામાન્ય નાગરિક સુધી પોતાનો સંદેશ પહોંચાડવા માટે કોંગ્રેસે એક નવતર પ્રયોગ તરીકે 'ઓટોરિક્ષા સ્ટીકર અભિયાન' લોન્ચ કર્યું છે. આ અભિયાન અંતર્ગત શહેરમાં ફરતી ઓટો રિક્ષાઓ પર કોંગ્રેસના પ્રચાર પ્રસાર માટેના સ્ટીકરો લગાડવામાં આવશે. આ રિક્ષાઓ શહેરના ગલી-મહોલ્લામાં ફરતી રહીને લોકોનું ધ્યાન ખેંચશે.
આ પ્રસંગે નેતાઓએ જણાવ્યું હતું કે, રામનવમીના પવિત્ર દિવસે અમે જનતાની વચ્ચે જઈ રહ્યા છીએ. ઓટોરિક્ષા એ મધ્યમ અને ગરીબ વર્ગની જીવાદોરી છે, આ માધ્યમ દ્વારા અમે સામાન્ય માણસ સાથે સીધો સંવાદ સ્થાપિત કરીશું અને ભાજપના શાસન સામે જનતાનો અવાજ બનીશું.
આગેવાનોની હાજરીમાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ
આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસના મુખ્ય હોદ્દેદારો અને રાજકીય માંધાતાઓ જેમાં મુખ્યત્વે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, મનપાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને વડોદરાકોંગ્રેસ OBC વિભાગના ચેરમેન જાગૃતિબેન રાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ નેતાઓ સાથે મોટી સંખ્યામાં અગ્રણીઓ અને ઉત્સાહી કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. રામનવમીના દિવસે આક્રમક રીતે પ્રચાર શરૂ કરીને કોંગ્રેસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, તેઓ આગામી ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપ સામે મજબૂત પડકાર ફેંકવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.
