Vadodara: 'સંસ્કારી નગરી' તરીકે ઓળખાતું વડોદરા શહેર હવે રોડ સેફ્ટીના મામલે ચિંતાજનક વળાંક પર ઊભું છે. માર્ગ અને મકાન વિભાગ તથા ટ્રાફિક પોલીસના સંયુક્ત સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 11 'બ્લેક સ્પોટ' વાહનચાલકો માટે કાળ સમાન સાબિત થઈ રહ્યા છે, જ્યાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 26 લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે.
વ્યસ્ત ચોકડીઓ અને હાઈવે કનેક્ટિવિટી જોખમી
ટ્રાફિક વિભાગના ડેટા અનુસાર, શહેરની ગોલ્ડન ચોકડી, દુમાડ ચોકડી, સમા-સાવલી રોડ અને તરસાલી બાયપાસ જેવા વિસ્તારોને સૌથી જોખમી માનવામાં આવ્યા છે. આ સ્થળોએ હાઈવેનો ભારે ટ્રાફિક અને શહેરના સ્થાનિક વાહનોનું મિશ્રણ થતું હોવાથી અકસ્માતની સંભાવના અનેકગણી વધી જાય છે. ખાસ કરીને રાત્રિના સમયે અને વહેલી સવારે મોટા વાહનોની પુરપાટ ગતિ નાના વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે.
તંત્રની ઉદાસીનતા કે એન્જિનિયરિંગમાં ખામી
નિષ્ણાંતોના મતે, આ જીવલેણ અકસ્માતો પાછળ માત્ર વાહનચાલકોની બેદરકારી જવાબદાર નથી, પરંતુ રસ્તાઓનું ખામીયુક્ત એન્જિનિયરિંગ, અપૂરતી સ્ટ્રીટ લાઈટ, અને સાઈન બોર્ડનો અભાવ મુખ્ય કારણો છે.
તંત્ર દ્વારા બ્લેક સ્પોટ સુધારવાની વાતો તો થાય છે, પરંતુ કામગીરીની ગતિ અત્યંત ધીમી છે. જેના પરિણામે 'મૃત્યુના ફાંસા' સમાન આ રસ્તાઓ પર દર વર્ષે અનેક પરિવારો પોતાના સ્વજનોને ગુમાવી રહ્યા છે.
આ અંગે શહેરના જાગૃત નાગરિકો અને રોડ સેફ્ટી એક્સપર્ટ્સ માની રહ્યા છે કે, જો આ સ્થિતિને ડામવી હોય તો તંત્રએ કાગળ પરની યોજનાઓ છોડીને મેદાનમાં ઉતરવું પડશે. જોખમી વળાંકો પર તાત્કાલિક રિફ્લેક્ટર અને સ્પષ્ટ સાઈન બોર્ડ લગાવવા જોઈએ.
હાઈવે ક્રોસિંગ પર યોગ્ય ટ્રાફિક સિગ્નલ અને ઝીબ્રા ક્રોસિંગની વ્યવસ્થા કરવી અનિવાર્ય છે. બ્લેક સ્પોટ જાહેર થયેલા રસ્તાઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી રી-ડિઝાઈનિંગ કરવું જોઈએ.
વડોદરામાં જે રીતે અકસ્માતોનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે, તે જોતા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સંકલન સાધીને યુદ્ધના ધોરણે કામગીરી કરવી પડશે, અન્યથા આ 'બ્લેક સ્પોટ' હજુ વધુ નિર્દોષ લોકોનો ભોગ લેતા રહેશે.
