Vadodara News: વડોદરા જિલ્લાના કરજણ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર એક ગંભીર ઘટના સામે આવી છે. વડોદરાથી ભરૂચ તરફ જતા ટ્રેક પર કંડારી બ્રિજથી લઇને કરજણ રેલવે ઓવર બ્રિજ સુધીના આશરે 1 કિલોમીટર જેટલા અંતરમાં રોડ પર કોઇ અજ્ઞાત વાહનમાંથી ચીકણો પદાર્થ ઢોળાયો હતો. જેના કારણે સમગ્ર માર્ગ અત્યંત લપસણો બની ગયો હતો અને જોતજોતામાં 25થી વધુ બાઇક ચાલકો સ્લીપ થઇ જતાં અકસ્માતનો ભોગ બન્યા હતા.
આ માર્ગ પરથી પસાર થતા ટૂ-વ્હીલર વાહનચાલકો રોડ પરથી ગાડી પરનો કાબૂ ગુમાવી દેતાં ધડાધડ નીચે પટકાયા હતા. આ અકસ્માતોમાં 25થી વધુ બાઇકસવારોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ઘટના બન્યાના 2 કલાકથી વધુ સમય વીતી જવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)નું તંત્ર નિંદ્રાધીન રહ્યું હતું અને માર્ગ પરથી ચીકણો પદાર્થ હટાવવા કે સફાઇ કામગીરી હાથ ધરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યું નહોતું.
NHAI તંત્રની બેદરકારી વચ્ચે સ્થાનિક નાગરિકોએ માનવતા દાખવી આગળ આવ્યા હતા. વધુ વાહનચાલકો આ અકસ્માતનો ભોગ ન બને તે માટે સ્થાનિક રહીશો અને રાહદારીઓ જાતે જ રોડ પર હાથ થી ઇશારા કરીને આવતા-જતા વાહનચાલકોને સાવચેત કરતા નજરે પડ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોઈને પોલીસે તાત્કાલિક પગલાં ભરતાં નેશનલ હાઇવે-48 પર માંગલેજથી કરજણ તરફનો રોડ વાહનવ્યવહાર માટે બંધ કરાવી દીધો હતો. ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા અને વધુ અકસ્માતો અટકાવવા માટે પોલીસે માંગલેજથી ટ્રાફિકને રોડના બીજા ટ્રેક ઉપર ડાયવર્ટ કરીને વાહનવ્યવહાર પૂર્વવત કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. રોડ પરથી આ કેમિકલ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
