Vadodara: કારેલીબાગમાં માત્ર 7 હજારની ઉઘરાણી માટે વેપારીને ઢોરમાર માર્યો, બૉક્સરની જેમ મુક્કા મારતા ચહેરો સોજી ગયો; જડબામાં ફ્રેક્ચર

માંડ-માંડ હુમલાખોર વેપારીની ચુંગાલમાંથી છટકીને લોહીલુહાણ હાલતમાં ટાયરની દુકાન ધરાવતા રાજેશકુમાર નજીકમાં રહેતા મામાના ઘરે પહોંચ્યા, જેઓ નજીકની હોસ્પિટલ લઈ ગયા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 28 Nov 2025 05:30 PM (IST)Updated: Fri, 28 Nov 2025 05:30 PM (IST)
vadodara-news-businessman-like-a-boxer-face-swelled
HIGHLIGHTS
  • થોડા દિવસમાં પૈસા ચૂકવવાનું કહેતા પ્રોવિઝન સ્ટોર્સનો માલિક ભડક્યો
  • આસપાસના લોકો વચ્ચે પડ્યા, તો પણ આરોપી મુક્કા વરસાવતો રહ્યો

Vadodara: શહેરના કારેલીબાગ વિસ્તારમાં માત્ર 7 હજાર રૂપિયાની ઉઘરાણી માટે એક વેપારીએ બીજા વેપારીને ઢોરમાર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ ગઈ છે. આખરે સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કારેલીબાગના પ્રશાંત એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશકુમાર શિયપા (47) મેન્ટલ હોસ્પિટલ સામે ટાયરની દુકાન ધરાવે છે. તેમની દુકાનની બાજુમાં જ સત્યેન પટેલ નામનો વેપારી પ્રોવિઝન સ્ટોર્સ ધરાવે છે.

આજે સવારે રાજેશકુમારને પાડોશી સત્યેન પટેલે પોતાની દુકાને બોલાવ્યા હતા. જ્યાં તેમણે બાકી રહેલા 7 હજાર રૂપિયાની ઉઘરાણી કરી હતી. જો કે તે સમયે રાજેશકુમાર પાસે પુરતા પૈસા ના હોવાથી તેમણે થોડા દિવસ બાદ ચૂકવી આપવાનું જણાવ્યું હતુ.

આથી ઉશ્કેરાયેલા સત્યેન પટેલે રાજેશકુમારને WWEના કુસ્તીબાજો ફટકારે તેમ મોંઢા પર ઉપરાછાપરી મુક્કાઓ માર્યા હતા. આટલું જ નહીં, સત્યેન પટેલે રાજેશકુમારને જમીન પર ઢસડીને પણ બેરહેમીથી ફટકાર્યા હતા.

આ સમયે આસપાસના લોકોએ રાજેશકુમારને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સત્યેન પટેલ અટક્યો નહતો અને મુક્કા મારતો રહ્યો હતો. સત્યેનની ચુંગાલમાંથી માંડ-માંડ છટકીને રાજેશકુમાર નજીકમાં રહેતા પોતાના મામાનો ઘરે ગયા હતા, જેઓ તેમને લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં તબીબોએ એક્સ-રે કરાવતા રાજેશકુમારને જડબા અને હાથના ભાગમાં ફ્રેક્ચર થયું હોવાનું નિદાન થયું હતુ. હાલ રાજેશકુમારની સારવાર ચાલી રહી છે.

આ મામલે રાજેશ શિયપા દ્વારા પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવાતા કારેલીબાગ પોલીસે IPCની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે CCTV ફૂટેજને આધારે આરોપીની ધરપકડ માટે ત્વરિત દિશામાં પગલાં ભર્યા છે.