Vadodara News: વડોદરા શહેરમાં તહેવારોના સમયે ફરી એકવાર સુરક્ષા એજન્સીઓ અને વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. તાજેતરમાં શાળાઓ, અદાલતો અને જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળવાના સિલસિલા બાદ હવે શહેરમાં એક જ દિવસમાં બે મુખ્ય બેંકોને નિશાન બનાવવામાં આવતા ભારે ચકચાર જાગી છે. ધમકીભર્યા મેઇલમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો પણ ઉલ્લેખ હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા સયાજીગંજ વિસ્તારમાં આવેલા સૂરજ પ્લાઝા સ્થિત બેંક ઓફ બરોડાના મેનેજર એસ.કે. ત્યાગીને જીમેલ (Gmail) આઈડી પર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઈમેઈલ મોકલી બેંક સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી આપવામાં આવી હતી. મેનેજરે તાત્કાલિક ધોરણે સયાજીગંજ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી.
આ પણ વાંચો
બીજી તરફ, રાવપુરા રોડ પર આવેલી બેંક ઓફ ઈન્ડિયા (BoI) ની બ્રાન્ચને પણ ધમકીભર્યો ઈમેઈલ મળતા હડકંપ મચી ગયો હતો. તહેવારોમાં જ ઈમેઈલ મારફતે મળેલી ધમકીને પગલે બેંક પરિસરમાં ભયનો માહોલ સર્જાયો હતો. સુરક્ષાના પગલાંરૂપે તાત્કાલિક ધોરણે બેંકમાં સામાન્ય નાગરિકો અને ગ્રાહકોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી.
બંને ઘટનાઓની જાણ થતાં જ વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે બેંક પરિસરમાં હાજર ગ્રાહકો અને કર્મચારીઓને સલામત રીતે બહાર કાઢીને આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમોએ અત્યાધુનિક સાધનો તથા સ્નિફર ડોગ્સની મદદથી બંને બેંક સંકુલોના ખૂણે-ખૂણે સઘન તપાસ અભિયાન હાથ ધર્યું હતું.
અગાઉ પણ વડોદરામાં શાળાઓ, કોર્ટ અને જેલને નિશાન બનાવી આવી ધમકીઓ આપવામાં આવી હતી, જે તપાસ બાદ અફવા સાબિત થઈ હતી. તેમ છતાં, સુરક્ષા એજન્સીઓ આ મામલે કોઈ જોખમ લેવા માંગતી નથી. હાલ સાયબર ક્રાઈમ સેલની મદદથી આ ધમકીભર્યા ઈમેઈલ ક્યાંથી અને કોણે મોકલ્યા છે તેની ટેકનિકલ તપાસ શરુ કરવામાં આવી છે.
ડીસીપી જગદીશ ચાવડાએ જણાવ્યું હતું કે, વડોદરામાં બેન્ક ઓફ બરોડા અને બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચોને ઇમેઇલ કરવામાં આવ્યો છે. મેઇલ 'સીરા કોન્તે' (Sira Conte) નામના વ્યક્તિ તરફથી conte734@gmail.com આઈડીથી મોકલવામાં આવ્યો છે. બેન્ક ઉપરાંત આગામી 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને 27 તારીખે અમિતાભ બચ્ચાના બંગલોને બોમ્બ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બોમ્બ સ્કોર્ડ અને ડોગ સ્કોડ તપાસ કરી રહી છે. સાવચેતી ના તમામ પગલા લેવા માં આવી રહ્યા છે. ઇમેઇલની સાયબર ક્રાઇમ તપાસ કરશે.
