વડોદરા બોમ્બ ધમકી કેસમાં મોટો ખુલાસો, મેઈલ મોકલનારનું પગેરું અમેરિકાથી મળ્યું; જાણો વધુ વિગત

ગત 17 જૂનની સવારે ખાલિસ્તાની આતંકવાદીના નામે આ બોમ્બ ધમકી મળી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 19 Jun 2026 09:31 AM (IST)Updated: Fri, 19 Jun 2026 09:31 AM (IST)
vadodara-bomb-threat-case-probed-us-ip-address-khalistani-mail-cyber-crime

Vadodara bomb threat case: વડોદરા મહાનગરપાલિકા કચેરી અને સામા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાના મામલે પોલીસની તપાસમાં એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. સાયબર ક્રાઈમ ટીમ દ્વારા કરવામાં આવેલી ટેકનિકલ તપાસમાં મેઈલ મોકલનારનું આઈપી એડ્રેસ (IP address) અમેરિકાનું હોવાનું સામે આવ્યું છે.

શું હતી બોમ્બ ધમકીની સમગ્ર ઘટના? 

ગત 17 જૂનની સવારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મેયરની ઓફિસ અને સામા વિસ્તારની પ્રખ્યાત નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેઈલ મળ્યા હતા. આ મેઈલ કરનારે પોતાને 'ખાલિસ્તાની' આતંકવાદી ગણાવીને પાલિકા કચેરીને બપોરે બરાબર 3:11 વાગ્યે વિસ્ફોટ કરીને ઉડાવી દેવાની ચીમકી આપી હતી. આ ગંભીર ધમકી મળતા જ કોર્પોરેશન અને સ્કૂલના વહીવટી તંત્રમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ હતી.

સઘન ચેકિંગમાં ધમકી ખોટી સાબિત થઈ

આ મેઈલ મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ હતી. વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ, SOG અને PCB ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને ઝીણવટભરી તપાસ અને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. 

જોકે, બંને સ્થળોએ કલાકો સુધી તપાસ કર્યા બાદ પોલીસને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળી આવ્યું ન હતું. તપાસના અંતે સ્પષ્ટ થઈ ગયું હતું કે આ ધમકી સંપૂર્ણપણે ખોટી (Hoax) હતી.

એક જ શખ્સે બંને જગ્યા ટાર્ગેટ કર્યાની શંકા 

સાયબર ક્રાઈમની ટીમને પૂરી શંકા છે કે, મહાનગરપાલિકા કચેરી અને નવરચના સ્કૂલ એમ બંને જગ્યાએ મેઈલ મોકલનાર વ્યક્તિ એક જ છે. આ શખ્સ જાણીજોઈને શહેરમાં ડર અને ગભરાહટનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

હાલ સમગ્ર મામલે સાયબર ક્રાઈમ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, અને આરોપીની ઓળખ છતી કરવા માટે તમામ ટેકનિકલ પાસાઓ પર ઝીણવટભરી રીતે કામ કરી રહી છે. પોલીસ હવે આ આંતરરાષ્ટ્રીય કનેક્શનના આધારે આ અજ્ઞાત આરોપી સુધી પહોંચવા માટે સક્રિય બની ગઈ છે અને આ મામલે કોઈ કસર બાકી રાખવા માંગતી નથી.