Vadodara: વડોદરા શહેરમાં બે દિવસ પૂર્વે કુખ્યાત બુટલેગર બાબરખાન પઠાણ દ્વારા ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપનને સયાજી હોસ્પિટલમાં ચપ્પુના આડેધડ 5 ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જે બાદ આતે તપન પરમારની નીકળેલી અંતિમ યાત્રામાં પરિવારજનોના હૈયાફાટ રૂદનથી શોકાતુર માહોલ છવાયો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે તપન પરમારની ઘાતકી હત્યા બાદ પરિવારજનોએ તેના મૃતદેહને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. જો કે આ હત્યારા સહિત 5 આરોપીઓને ઝડપી પાડવા ઉપરાંત જવાબદાર કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો.
જે બાદ આજે સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કર્યા બાદ તપન પરમારનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. જ્યાં આજે તપન પરમારનો મૃતદેહ સફેદ કપડામાં લપેટીની સયાજી હોસ્પિટલથી નાગરવાડા સ્થિત પૂર્વ કોર્પોરેટરના ઘરે લાવીને અંતિમ વિધિની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તપન પરમારની અંતિમયાત્રામાં રાજકીય નેતાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા હતા. જ્યાં પરિવારજનોના હૈયાફાટ રૂદન વચ્ચે નીકળેલી અંતિમ યાત્રાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
નાગરવાડા નવી ધરતીથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી તપન પરમારની અંતિમયાત્રામાં ભાજપ નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જ્યાં 'જય શ્રી રામ' અને 'જબ તક સૂરજ ચાંદ રહેગા, તપન તેરા નામ રહેંગા'ના નારા સાથે અંતિમ યાત્રા ખાસવાડી સ્મશાન પહોંચી હતી. જ્યાં ભારે હૈયે તપન પરમારને અંતિમ વિદાય અપાઈ હતી.
