Vadodara: દક્ષિણ કોરિયાના ઇંચિઓન શહેરમાં તાજેતરમાં યોજાયેલા એક આંતરરાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા સફળતાપૂર્વક બહાર પાડવામાં આવેલા મ્યુનિસિપલ બોન્ડ અને તેની સિદ્ધિઓની વૈશ્વિક મંચ પર ભારે પ્રશંસા કરવામાં આવી છે.
આ આંતરરાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમનું આયોજન ‘યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન’ અને ‘ક્લાઈમેટ બોન્ડ્સ ઇનિશિએટિવ’ દ્વારા ગત 20 થી 22 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવ્યું હતું. આ ખાસ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાનું પ્રતિનિધિત્વ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સંતોષ તિવારીએ કર્યું હતું.
તાલીમ કાર્યક્રમ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ એક વિશેષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં તેમણે વડોદરા પાલિકાના સામાન્ય મ્યુનિસિપલ બોન્ડની શરૂઆતથી લઈને આગામી સમયમાં પર્યાવરણ અને જળ સંચય જેવા પ્રોજેક્ટ્સ માટે ‘બ્લુ રિઝિલિયન્સ બોન્ડ’ દ્વારા ભંડોળ ઊભું કરવાની ભવિષ્યની યોજનાઓની વિગતવાર માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગરપાલિકાએ અગાઉ એશિયામાં કોઈપણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા પ્રથમ 'વૈશ્વિક પ્રમાણિત ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ' બહાર પાડીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. વડોદરાના આ સફળ મોડેલથી પ્રભાવિત થઈને નાઈજીરિયા, બ્રાઝિલ અને પનામા સહિત વિશ્વના ૧૨ થી ૧૩ દેશોના પ્રતિનિધિઓએ પોતાના શહેરોમાં મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવા માટે વડોદરા પાલિકા પાસેથી ટેકનિકલ સહાય અને નિષ્ણાત માર્ગદર્શન મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
આ વૈશ્વિક પરિષદ દરમિયાન વડોદરાના મ્યુનિસિપલ કમિશનરે UNDRR ની ટીમને પાલિકા દ્વારા પ્રકાશિત પુસ્તકો 'The Green Book' અને 'All About Municipal Bond' ની હાર્ડકોપી ભેટમાં આપી હતી તેમજ તેની ડિજિટલ નકલો પણ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સાથે શેર કરી હતી.
વડોદરા પાલિકાના આ સફળ પ્રયોગ અને ભવિષ્યના આયોજનથી આંતરરાષ્ટ્રીય સ્તરે શહેરનું ગૌરવ વધ્યું છે અને નાણાકીય સ્વાયત્તતા ક્ષેત્રે વડોદરાએ વિશ્વના અન્ય શહેરો માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
