Diwali Bonus Rules in India: દિવાળીના તહેવારની આડે હવે ગણતરીના દિવસો બાકી બચ્યા છે, ત્યારે હાલ મોટાભાગના ઘરોમાં ગૃહિણીઓ સાફ-સફાઈ અને રંગરોગાનનું કામ શરૂ કરી દીધું હશે. જ્યારે મોટી-મોટી કંપનીઓ તેમજ દુકાનોમાં કામ કરતાં કર્મચારીઓ બોનસની રાહ જોઈ રહ્યા હશે.
આમ તો દિવાળી પર્વ પર અનેક કંપનીઓ બોનસ આપતી જ હોય છે. એમાં પણ સુરતના સવજીભાઈ ધોળકિયા તો દિવાળી પર્વે પોતાના કર્મચારીઓને કાર, સોનાના દાગીના અને મકાન ગિફ્ટમાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે, કંપની પોતાની મરજી હોય તો જ બોનસ આપે તેવું નથી. ભારતમાં એક એવો કાયદો પણ છે, જે અંતર્ગત કર્મચારીઓેને વાર્ષિક બોનસ આપવાનો નિયમ છે.
બોનસ આપવા માટે કાયદો શું કહે છે? (Diwali Bonus Rules in India)
ભારતમાં કર્મચારીઓને બોનસ આપવા સંદર્ભે પેમેન્ટ ઑફ બોનસ એક્ટ 1965 અંતર્ગત નિયમો બનાવવામાં આવ્યા હતા. જે બાદ 21 નવેમ્બર, 2025ના રોજ લાગુ નવા વેજ કોડ 2019માં આ કાયદા અંતર્ગત જોગવાઈઓને સામેલ કરી દેવામાં આવી છે.
વેજ કોડ અંતર્ગત લાયક કર્મચારીઓને વાર્ષિક બોનસ આપવાની જોગવાઈ છે. આ બોનસ કર્મચારીની કમાણી અને કાયદામાં નક્કી કરેલ ગણતરીના આધારે નક્કી કરવામાં આવે છે. આથી કોઈ કંપની એવું કહીને લાયક કર્મચારીને ફરજિયાત બોનસ આપવાનો ઈન્કાર ના કરી શકે.
જો કે બોનસની લાયકાત માટે કાયદાની તમામ શરતોનું પણ અચૂક પાલન થવું જરૂરી છે. જેમાં કંપનીના કર્મચારીઓની સંખ્યા, કર્મચારીનું માસિક વેતન તેમજ વર્ષમાં કામ કરવામાં આવેલા દિવસોના આધારે નક્કી થાય છે કે, ક્યો કર્મચારી બોનસ મેળવવા માટે હક્કદાર છે કે કેમ?
કેવા કર્મચારીઓને બોનસ મળે છે?
કાયદાના આધારે બોનસનો લાભ મેળવવા માટે કેટલીક જરૂરી શરતો પુરી કરવી આવશ્યક છે. જેમ કે
કર્મચારીઓની સંખ્યાઃ બોનસના નિયમ સામાન્ય રીતે એવી કંપનીઓ પર લાગુ થાય છે કે, જ્યાં નાણાંકીય વર્ષ દરમિયાન કોઈ પણ દિવસે 20 કે તેથી વધુ કર્મચારીઓ કામ કરે છે. જો કે સરકારી ખાસ નોટિફિકેશન જારી કરીને તેનાથી ઓછા કર્મચારીઓ ધરાવતી કંપનીઓ પણ આ નિયમ લાગુ કરી શકે છે.
માસિક પગાર મર્યાદાઃ કેન્દ્ર સરકારના વેજ કોડ અનુસાર, બોનસની લાયકાત માટે માસિક પગારની મર્યાદા 21 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે. આટલો પગાર મેળવનાર કર્મચારી તમામ શરતો પૂરી કરે, તો બોનસ મેળવવા માટે હકદાર હોય છે.
ઓછામાં ઓછા 30 દિવસનું કામઃ કર્મચારીએ સબંધિત નાણાંકીય વર્ષમાં કંપનીમાં ઓછામાં ઓછા 30 વર્કિંગ ડે પુરા કરેલા હોવા જોઈએ, તો જે તેને કાયદેસર બોનસનો લાભ મળે છે.
ખાસ વાત એ છે કે, બોનસ માત્ર કાયમી કર્મચારીઓ પુરતુ નથી. જો જરૂરી નિયમો અને શરતો પુરી કરી હોય, તો પ્રોબેશનર અને પાર્ટ ટાઈમ કર્મચારીઓ પણ બોનસના હકદાર બની શકે છે.
કેટલું બોનસ આપવું જરૂરી?
વેજ કોડ અંતર્ગત લાયક કર્મચારીઓ માટે લઘુત્તમ બોનસ 8.33 ટકા નક્કી કરવામાં આવ્યું છે. જો કે કંપની પાસે પર્યાપ્ત ફાળવેલ સરપ્લસની સ્થિતિમાં આ દર વધુમાં વધુ 20 ટકા સુધી હોઈ શકે છે.
જણાવી દઈએ કે, ફાળવેલ વધારાની રકમ કંપનીના ચોખ્ખા નફાનો એ ભાગ હોય છે, જેને નિયમ પ્રમાણે કર્મચારીઓને બોનસ તરીકે વહેચવા માટે અલગ રાખવામાં આવે છે. તમામ કર્મચારીઓને એક સરખું બોનસ મળે તે જરૂરી નથી, કારણ કે વાસ્તવિક ચૂકવણી કર્મચારીના બેઝીક પગાર, કામના કુલ દિવસો અને લીગલ કેલ્ક્યુલેશન પર નિર્ભર કરે છે.
જો કોઈ લાયક કર્મચારીનો માસિક પગાર 7 હજાર રૂપિયાથી વધારે હોય, તો તેના બોનસની ગણતરી 7 હજાર રૂપિયા કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ લઘુત્તમ વેતન દર (બન્નેમાંથી જે વધારે હોય)ને આધાર માનીને આપવામાં આવશે. આ નિયમ કેન્દ્ર સરકારના 25 ઓગસ્ટ,2026ના ઠરાવમાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે, જેને 21 નવેમ્બર 2025થી અમલી માનવામાં આવ્યો છે.
શું દિવાળી પર અલગથી બોનસ આપવું જરૂરી છે?
કાયદા અનુસાર મળતું બોનસ વાર્ષિક ચૂકવણી છે અને દિવાળી બોનસ હંમેશા તહેવારો દરમિયાન કરવામાં આવતી ચૂકવણી છે. આથી માત્ર દિવાળી પર બોનસ આપવાની કંપની કાયદા પ્રમાણે પોતાના વાર્ષિક બોનસ ચૂકવવાની જવાબદારીમાંથી છટકી ના શકે.
