Vadodara: વડોદરા શહેરમાં સરદાર એસ્ટેટ વિસ્તાર નજીક ચાઈનીઝ ફૂડનો વ્યવસાય કરતા એક વેપારીને પોતાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) તરીકે ઓળખાવી ધમકાવનાર અને ખરીદેલા ફૂડના નાણાં ન ચૂકવનાર ઠગ દંપતી આખરે પોલીસ પકડમાં આવ્યા છે. આ બંટી-બબલી વેપારી પાસેથી માત્ર રૂ. 140નું ફૂડ પાર્સલ લઈ, પોતે PSI હોવાનું કહી રોફ જમાવ્યો હતો. જો કે અસલી પોલીસે બન્નેને કાન પકડી ઉઠક-બેઠક કરાવી કાયદાનું ભાન કરાવી માફી પણ મંગાવી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદી સિદ્દીકઅલી મંજુરઅલી સૈયદ (ઉંમર 38, રહે. અહમદ પાર્ક, બાપોદ) સરદાર એસ્ટેટ બહાર કોલોની પાસે ચાઈનીઝ ફૂડની દુકાન ચલાવે છે. ગત 23 નવેમ્બરના રોજ સાંજે સવા છ વાગ્યાના આસપાસ એક બાઇકસવાર યુવક તેમની દુકાન પર આવ્યો હતો અને કારીગર વિકાસ છેત્રીને માલિક વિશે પૂછપરછ કરી હતી.
બાદમાં આ યુવકે દુકાન માલિક સિદ્દીકઅલી સાથે ફોન પર વાત કરી, પોતે વાડી પોલીસ સ્ટેશનના PSI નલવાયા સાહેબ હોવાનું જણાવી ચિકન ચાઈનીઝ ભેળનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર તૈયાર થયા બાદ, જ્યારે કારીગરે પૈસા માંગ્યા, ત્યારે આરોપીએ જણાવ્યું કે બાપોદ પોલીસ સ્ટેશનનો તેનો મિત્ર એક-બે કલાકમાં આવીને ચુકવણી કરી જશે, જેના ભરોસે વેપારીએ પાર્સલ આપી દીધું.
લાંબા સમય સુધી ચુકવણી ન થતાં વેપારીએ આપેલા નંબર પર સંપર્ક કર્યો, ત્યારે ફોન એક મહિલાએ ઉઠાવ્યો. મહિલાએ જણાવ્યું કે તે થોડા સમયમાં રૂપિયા ઑનલાઇન મોકલી દેશે. આ સાથે જ તેણે વેપારીને રોફથી પૂછ્યું કે, માત્ર રૂ. 140 માટે તમને શરમ નથી આવતી? આટલું કહ્યા બાદ દંપતીએ ફોન રિસીવ કરવાનું બંધ કરી દેતાં વેપારીને છેતરપિંડી થઈ હોવાની ખાતરી થઈ. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે આ જ રીતે દંપતીએ એક રેપિડો ચાલકના રૂ. 40 પણ ચૂકવ્યા ન હતા.
વેપારીની ફરિયાદ બાદ બાપોદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મુખ્ય આરોપી બકુલ જશુભાઈ અને તેની પત્ની રશ્મિબેન (બન્ને ઉંમર 27, રહે. હરિ ટાઉનશીપ, આજવા રોડ)ને ઝડપી પાડ્યા હતા.
આરોપી બકુલે સ્વીકાર્યું હતું કે તેણે PSI 'નલવાયા સાહેબ'ના નામે ખોટી ઓળખ આપી રૂ. 140નું જમવાનું પાર્સલ મંગાવ્યું હતું અને ચુકવણી કર્યા સિવાય દુકાનમાંથી નીકળી ગયો હતો. તેની પત્ની પણ ફોન પર પોતાનો પતિ PSI હોવાનું કહી વેપારીને ગેરમાર્ગે દોરી હતી. પોલીસે આ ઠગ દંપતી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કાયદાનું પાલન કરાવ્યું હતું.
