Rajkot: ભાર વિનાનાં ભણતરનાં સ્લોગન વચ્ચે વિદ્યાર્થીઓનાં આપઘાતનાં પ્રયાસ અને આત્મહત્યાની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે, ત્યારે વધુ એક બનાવમાં મૂળ ચોટીલાનાં તાજપર ગામની વતની અને હાલ રાજકોટમા હોસ્ટેલમાં રહી ધો. 11 સાયન્સમા અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ મારાથી કોઇને દુ:ખ પહોંચ્યુ હોય તો માફ કરજો તેવી ચીઠ્ઠી લખી હોસ્ટેલમા ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સગીરાનાં મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મૂળ ચોટીલા તાલુકાનાં તાજપર ગામની વતની અને હાલ રાજકોટમાં ગોકુલધામ વિસ્તારમાં આવેલ ડાલીબાઇ છાત્રાલયમા રહી ધો. 11 સાયન્સમા અભ્યાસ કરતી રીંકલબેન મનસુખભાઇ ગાબુ નામની 16 વર્ષની સગીરાએ કોઇ અગમ્ય કારણસર હોસ્ટેલમા એંગલમા ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો.
સગીરાને તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી જયા ફરજ પરનાં તબીબે જોઇ તપાસી નીષ્પ્રાણ જાહેર કરતા પરીવારમા કરુણ કલ્પાંત સર્જાયો હતો.
પ્રાથમિક પુછપરમા મૃતક રીંકલબેન ગાબુ બે ભાઇ બે બહેનમાં વચેટ હતી અને છેલ્લા 1 વર્ષથી ડાલીબાઇ છાત્રાલયમાં રહી ધો. 11 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. ગઇકાલે રીંકલબેન ગાબુએ બપોરનાં બે વાગ્યાનાં સમયે તેનાં પિતા મનસુખભાઇ ગાબુ સાથે ફોનમા વાત કરી હતી અને પૂછ્યુ હતું કે, તેમ કેમ હમણા નવરા નથી થતા. કામ પતે પછી આટો મારી જાવ .
જે બાદમાં આત્મઘાતી પગલુ ભર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. મૃતક રીંકલબેન ગાબુ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે જેમા મારાથી કોઇને દુખ પહોંચ્યુ હોય તો માફ કરજો . મારા આત્માને શાંતિ મળે તેવો ઉલ્લેખ કરવામા આવ્યો છે. વિદ્યાર્થીનીનાં આપઘાત પાછળનુ કારણ જાણવા માલવીયા નગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
