Vadodara: વડોદરા શહેરમાંથી આઠ મહિના પહેલા અપહરણ કરાયેલી સગીરાને શોધી કાઢવામાં વડોદરા પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. બિહારમાં ગુપ્ત રીતે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન પોલીસે અપહરણકારને ઝડપી લઈ સગીરાને સલામત રીતે છોડાવી વડોદરા લાવવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, હરણી વિસ્તારની સગીર વયની એક કિશોરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ બનાવ અંગે પરિવારજનોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસ દ્વારા વ્યાપક તપાસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ લાંબા સમય સુધી સગીરાનો કોઈ પત્તો લાગતો ન હતો. આ દરમિયાન પોલીસને એક યુવક ઉપર પોલીસ શંકા ગઈ હતી અને તેના પર સતત વોચ રાખવામાં આવી રહી હતી.
પોલીસની તપાસ દરમિયાન મહત્વની માહિતી મળતાં જાણવા મળ્યું હતું કે, શંકાસ્પદ યુવક છેલ્લા કેટલાક સમયથી બિહારના મુઝફ્ફરપુર (રામ દયાલુ થાણા વિસ્તાર) ખાતે રહે છે. આ માહિતીના આધારે વડોદરા પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા વિશેષ ટીમ રચી બિહાર મોકલવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી ટીમે મુઝફ્ફરપુર ખાતે પડાવ નાખી ગુપ્ત રીતે કામગીરી શરૂ કરી હતી.
પોલીસે પોતાની ઓળખ છુપાવવા માટે શ્રમજીવી, શાકભાજીની રેકડી ચલાવનાર તેમજ પગ રીક્ષા ચાલક જેવા વેશ ધારણ કર્યા હતા. આ વેશમાં રહીને આરોપીના ઘરની આસપાસ સતત વોચ રાખવામાં આવી હતી. વોચ દરમિયાન સગીરા ત્યાં જ હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અજિત રામ બાબુ મહાતો (રામ દયાલુ થાણા વિસ્તાર)ને ઝડપી પાડ્યો હતો.
આરોપીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લઈ જઈ કડક પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન યુવકે સગીરાના અપહરણની કબૂલાત કરી હતી. સ્થાનિક પોલીસના સહયોગથી સગીરાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સગીરા સંપૂર્ણપણે સલામત હોવાનું જાણવા મળ્યું છે. જરૂરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કરી આરોપી અને સગીરાને વડોદરા લાવવામાં આવી છે.
