Vadodara: આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ માટે વડોદરા સજ્જ, 3 DCP, 6 ACP સહિત 900 જેટલા પોલીસ જવાનોનો ચાંપતો બંદોબસ્ત

મેચની ટિકિટના નામે ઊઘાડી લૂંટ થઈ રહી છે. BCAના સભ્યોને મફતમાં મળતા કોમ્પ્લિમેન્ટરી પાસ 10 થી 12 હજાર રૂપિયામાં વેચાઈ રહ્યા હોવાના ક્રિકેટ પ્રેમીના આક્ષેપથી ખળભળાટ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 11 Jan 2026 12:22 AM (IST)Updated: Sun, 11 Jan 2026 12:22 AM (IST)
vadodara-news-900-police-personnel-including-3-dcp-6-acp-deployed-for-ind-vs-nz-1st-odi-at-kotambi-stadium
HIGHLIGHTS
  • હરણી પોલીસ સ્ટેશનમાં બંદોબસ્તમાં રોકાયેલા અધિકારીઓની બેઠક મળી
  • NH-48 પર ગોલ્ડન ચોકડી ખાતે ટ્રાફિક જામ ન થાય તે માટે પૂરતો બંદોબસ્ત રાખવા સૂચના

Vadodara: આજ રોજ વડોદરાના કોટંબી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી વન ડે મેચને લઈને શહેર પોલીસ દ્વારા ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બન્ને ટીમો અલગ-અલગ હોટલમાં રોકાયેલ હોવાથી સિક્યુરિટી, ટીમોની મૂવમેન્ટ તેમજ ક્રિકેટ રસિકો માટે સુચારૂ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેના મુકાબલાને પગલે હરણી પોલીસ સ્ટેશન ખાતે વડોદરા શહેરના પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં બંદોબસ્તમાં રોકાયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની બ્રિફિંગ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન પોલીસ કમિશ્નરે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બંદોબસ્ત સંબંધિત જરૂરી સૂચનાઓ આપી હતી.

ખાસ કરીને માર્ગ પર અડચણરૂપ પાર્કિંગ પર કડક નજર રાખવા, બિનજરૂરી રીતે વાહનો પાર્ક ન થાય તેની તકેદારી રાખવા તથા બ્રેકડાઉન થયેલા વાહનોને ક્રેન મારફતે તાત્કાલિક દૂર કરવા સૂચના આપવામાં આવી હતી.

આ સમગ્ર ટ્રાફિક અને સુરક્ષા બંદોબસ્ત માટે વડોદરા શહેરના ડીસીપી–03, એસીપી–06, પોલીસ ઇન્સ્પેક્ટર–22, પોલીસ સબ ઇન્સ્પેક્ટર–28, પોલીસ કર્મચારીઓ 505 તથા 317 ટીઆરબી જવાનો ફરજ બજાવશે.

ક્રિકેટ સ્ટેડિયમ તરફ જતા મુખ્ય માર્ગો પર ખાણી-પીણીની લારીઓ કે ગલ્લાઓના કારણે વાહન વ્યવહારમાં અડચણ ન સર્જાય તે માટે કાર્યવાહી કરવા પણ આદેશ અપાયા હતા. મેચ ડે-નાઇટ હોવાના કારણે ટ્રાફિક બંદોબસ્તમાં ફરજ પર રહેનારા પોલીસ કર્મચારીઓને બોડી રિફ્લેક્ટર અને એલઇડી બેટન સાથે ફરજ બજાવવા સૂચવાયું છે.

બ્રિફિંગ બાદ પોલીસ કમિશ્નરે જાતે રોડ બંદોબસ્તનું રિહર્સલ કરી નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત અન્ય સંબંધિત વિભાગો સાથે સંકલન સાધી દબાણો દૂર કરાયેલા સ્થળોની પણ તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને નેશનલ હાઇવે-48 પર ગોલ્ડન ચોકડી ખાતે ટ્રાફિક જામ ન થાય તે માટે પૂરતો બંદોબસ્ત રાખવા સૂચના આપવામાં આવી હતી. રૂટ પર આવેલા ટોલનાકાઓ પર લાંબી લાઈનો ન સર્જાય તે માટે ટોલ અધિકારીઓ સાથે સંકલન રાખવા પણ માર્ગદર્શન અપાયું છે.

BCAના સભ્યો મેચની ટિકિટની કાળા બજારી કરતા હોવાનો ગંભીર આક્ષેપ
મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ સભ્ય અને જાણીતા ક્રિકેટપ્રેમી મુફદલ ઘડિયાળી પોતાની દીકરી સાથે કોટંબી સ્ટેડિયમ બહાર પહોંચ્યા હતા.જ્યાં તેમણે જણાવ્યું કે, હું રોહિત શર્માનો મોટો ફેન છું અને નેટ પ્રેક્ટિસ જોવા આવ્યો હતો, પરંતુ ટિકિટ મળતી નથી. BCAના સભ્યોને મફતમાં મળતા કોમ્પ્લીમેન્ટરી પાસ 10 થી 12 હજાર રૂપિયામાં વેચાઈ રહ્યા છે.

naidunia_image

1 હજારની ટિકિટ 10 હજારમાં, 2 હજારની ટિકિટ 15 હજારમાં અને બોક્સની ટિકિટ 25થી 27 હજારમાં વેચાય છે. આ ખુલ્લી લૂંટ છે. સ્ટેડિયમની ક્ષમતા મર્યાદિત હોવા છતાં, બીસીએ જ ટિકિટો ગાયબ કરાવે છે અને સામાન્ય પ્રેક્ષકોને સ્ટેડિયમ બહાર રાખે છે,” એવો ગંભીર આક્ષેપ તેમણે કર્યો.