Vadodara: સંસ્કારીનગરી વડોદરાની ધરા હવે ભક્તિ અને આધ્યાત્મિકતાના અનોખા રંગે રંગાવા જઈ રહી છે. શહેરના વાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક શ્રી સ્વામિનારાયણ મંદિરના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે આગામી તારીખ 23 એપ્રિલથી 29 એપ્રિલ, 2026 દરમિયાન ભવ્ય ‘સાર્ધ શતાબ્દી મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા આજવા રોડ સ્થિત લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે આ સાત દિવસીય મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.
આધ્યાત્મિકતા અને સેવાાનો સંગમ
આચાર્ય રાકેશપ્રસાદ મહારાજની આજ્ઞા અને કે. કે. શાસ્ત્રીના આશીર્વાદથી આયોજિત આ મહોત્સવમાં આધ્યાત્મિક કથાની સાથે માનવસેવાના પ્રકલ્પોનો સંગમ જોવા મળશે. મહોત્સવના મુખ્ય વક્તા તરીકે સરધારના પ્રસિદ્ધ સંત નિત્યસ્વરૂપદાસજી સ્વામી બિરાજશે, જેઓ શ્રીમદ્ સત્સંગિજીવન કથાનું રસપાન કરાવશે. આ ઉપરાંત મહોત્સવ દરમિયાન મહાવિષ્ણુયાગ, બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ જેવા સેવાકીય કાર્યો પણ હાથ ધરાશે.
ઐતિહાસિક શોભાયાત્રા અને ભવ્ય વ્યવસ્થા
આ અંગે શાસ્ત્રી નયન પ્રકાશદાસ સ્વામીએ માહિતી આપતા જણાવ્યું કે, 150 વર્ષ પૂર્વે સયાજીરાવ ગાયકવાડ સરકારે સ્વામિનારાયણ સંપ્રદાયને સ્થાન આપી આ ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ ઐતિહાસિક સ્મૃતિને તાજી કરવા માટે 28 એપ્રિલના રોજ મંદિરથી લઈ ગેંડીગેટ અને સુરસાગર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળશે. જે 200 વર્ષ પૂર્વેની ‘ચલે ગજ બૈઠ કે મહારાજા’ સવારીની યાદ અપાવશે.
ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને ભક્તો માટે વિશાળ ડોમમાં એસી, કુલર, હાઈ-સ્પીડ ફેન અને સ્પ્રિંકલરની વ્યવસ્થા કરવામાં આવી છે. દરરોજ અંદાજે 30,000 ભક્તો પ્રસાદ લઈ શકે તેવું વિશાળ રસોડું અને ઠંડા પીણાં-શરબતની વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે.
નામી-અનામી હસ્તીઓની ઉપસ્થિતિ
આ મહોત્સવમાં ગાયકવાડ રાજપરિવારના વંશજો, વિવિધ સંપ્રદાયોના સંતો-મહંતો અને રાજકીય મહાનુભાવોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. મહોત્સવમાં બાળકો માટે 'બાલમંચ' અને મહિલાઓ માટે વિશેષ 'મહિલા મંચ' પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. આયોજક સમિતિ દ્વારા સમગ્ર વડોદરાવાસીઓને આ દિવ્ય મહોત્સવનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
