Vadodara News: વડોદરામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલ સાંઈ ગણેશ કોમ્પલેક્ષમાં ધમધમતી 'અંબિકા જ્વેલર્સ'ની દુકાનમાં ફિલ્મી ઢબે 5 કિલો સોનાની ચોરી થવાની ઘટનાએ સમગ્ર શહેરમાં સનસનાટી મચાવી દીધી છે. સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે આ કોઈ બહારના તસ્કરોનું કામ ન હતું, પરંતુ ખુદ જ્વેલર્સના સંચાલકે જ પોતાના સાગરીત સાથે મળીને આ વિશાળ છેતરપિંડી અને ચોરીનો મોટો પ્લાન ઘડ્યો હતો.
મુંબઈના સોનાના વેપારી સાથે આચરવામાં આવી છેતરપિંડી
મળતી માહિતી મુજબ, આ ઘટનાને અંજામ આપવા માટે વડોદરાના જ્વેલર્સ સંચાલકે મુંબઈના એક સોનાના મોટા વેપારીને ખાસ વડોદરા બોલાવ્યા હતા. મુંબઈનો વેપારી આશરે 5 કિલોગ્રામ સોનું લઈને વાઘોડિયા રોડ સ્થિત અંબિકા જ્વેલર્સ પર પહોંચ્યો હતો. સોનાની લેવડ-દેવડ કે વ્યાપારી વ્યવહારની આડમાં જ્વેલર્સના સંચાલક દ્વારા પહેલેથી જ નક્કી કરેલા પ્લાન મુજબ તેનો સાગરીત અચાનક 5 કિલો સોનાથી ભરેલી બેગ લઈને પળભરમાં રફુચક્કર થઈ ગયો હતો. દિવસના અજવાળામાં અને દુકાનની અંદર જ બનેલી આ ઘટનાથી વેપારીના હોશ ઉડી ગયા હતા.
બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
મુંબઇના સોનાના વેપારીને તેમની સાથે છેતરપિંડી થયાનું માલુમ થતાં તાત્કાલિક બાપોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. વેપારીની ફરિયાદના આધારે બાપોદ પોલીસે અંબિકા જ્વેલર્સના સંચાલક અને તેના ફરાર થઈ ગયેલા સાગરીત વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ ગઈ છે. પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે તેમજ બંને ભેજાબાજોના સંભવિત ઠેકાણાઓ પર રેડ પાડીને તેમની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે.
