મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડભોઇની સરપ્રાઇઝ વિઝિટ રંગ લાવી: ડભોઇ માટે રુ. 46.73 કરોડની નવીન વોટર ડ્રેનેજ યોજનાને મળી મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડભોઇની સરપ્રાઇઝ વિઝિટ બાદ રાજ્ય સરકારે ₹46.73 કરોડના ખર્ચે નાંદોદી ભાગોળ ખાતે આધુનિક વોટર ડ્રેનેજ યોજના અને નવીન SWPને મંજૂરી આપી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 12 Oct 2026 12:56 PM (IST)Updated: Mon, 12 Oct 2026 12:56 PM (IST)
cm-bhupendra-patel-dabhoi-surprise-visit-water-drainage-project-sanctioned-vadodara

CM Bhupendra Patel Dabhoi: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તાજેતરની સરપ્રાઇઝ વિઝિટ ડભોઇ શહેર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકા ખાતેથી એકતા નગર (SOU) તરફ જતા સમયે મુખ્યમંત્રીએ લીધેલી અચાનક મુલાકાત બાદ હવે ડભોઇના વિકાસ માટે મોટી જાહેરાત સામે આવી છે. રાજ્ય સરકારે ડભોઇના નાંદોદી ભાગોળ ખાતે નવીન SWP અને ₹46.73 કરોડના ખર્ચે આધુનિક વોટર ડ્રેનેજ યોજનાને મંજૂરી આપી દીધી છે.

મુખ્યમંત્રીએ અધિકારીઓને કડક સૂચના આપી

ઘટનાની વિગત મુજબ, ગત 30 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો VVIP કાફલો સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર) જઈ રહ્યો હતો. આ દરમિયાન ડભોઇના મુખ્ય માર્ગ પર ગંદકી અને રોડની દુર્દશા દેખાતાં મુખ્યમંત્રીએ અચાનક જ પોતાનો કાફલો રોકી દીધો હતો. સ્થળ પર જ ગંદકી જોઈને નારાજ થયેલા મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓનો આકરા શબ્દોમાં ઉધડો લીધો હતો અને તાત્કાલિક ધોરણે આ સમસ્યાના કાયમી નિકાલ માટે કડક સૂચનાઓ આપી હતી.

નાંદોદી ભાગોળ ખાતે પ્રોજેક્ટને લીલી ઝંડી

ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) દ્વારા પણ આ વિસ્તારમાં ડ્રેનેજ અને સીવેજ પ્રોબ્લેમ દૂર કરવા માટે નવીન SWP પ્લાન્ટ અંગે સરકારમાં સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી. મુખ્યમંત્રીની આ સરપ્રાઇઝ વિઝિટ અને ક્ષેત્રીય ધારાસભ્યની રજૂઆતોના પગલે સરકારે ત્વરિત નિર્ણય લઈને નાંદોદી ભાગોળ ખાતે આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે.

વર્ષો જૂની સમસ્યાનો નિકાલ આવશે

₹46.73 કરોડના ખર્ચે આકાર પામનારી આ નવીન વોટર ડ્રેનેજ યોજનાથી ડભોઇ શહેર અને આસપાસના વિસ્તારોમાં ગંદકી તથા પાણીના નિકાલની વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. મુખ્યમંત્રીની સીધી દખલગીરી અને કડક વલણના કારણે કામગીરીને વેગ મળતાં સ્થાનિક રહીશોમાં આનંદ અને ઉત્સાહની લહેર ફરી વળી છે.