Vadodara News: મુંબઈ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં વાતાવરણ અચાનક પલટાતાં અને ધુમ્મસભર્યા ખરાબ હવામાનના લીધે વિમાન વ્યવહાર પર વ્યાપક અસર પડી હતી. લેન્ડિંગમાં સર્જાયેલી પ્રતિકૂળતાને કારણે મુંબઈ તરફ જઈ રહેલાં ચાર અલગ-અલગ વિમાનોને તાત્કાલિક ધોરણે વડોદરા એરપોર્ટ તરફ વાળી દેવાયા હતા. અહીં એર ટ્રાફિક કંટ્રોલર અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા ત્વરિત નિર્ણય લઈને તમામ ફ્લાઇટ્સનું સલામત રીતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું.
મળતી વિગતો અનુસાર, ડાયવર્ટ કરાયેલાં વિમાનોમાં એર ઈન્ડિયા કંપનીની ત્રણ અને ઈન્ડિગોની એક ફ્લાઈટ સામેલ હતી. જેમાં હૈદરાબાદ (AI 2447), વિજયવાડા (AI 599) અને ઈન્દોર (AI 1780)થી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ્સ તેમજ દિલ્હીથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટ (6E 329) છે. મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ શક્ય ન જણાતાં પાઈલટોએ વડોદરા એરપોર્ટનો સંપર્ક કરી વિમાનોને વડોદરા ખાતે સેફ લેન્ડ કરાવ્યા હતા.
તમામ ફ્લાઇટ્સ સુરક્ષિત રીતે રન-વે પર ઉતર્યા બાદ એરપોર્ટના બે એરિયામાં પાર્ક કરી દેવામાં આવી હતી. અચાનક શિડ્યુલ બદલાતાં મુસાફરો હેરાન ન થાય તે માટે એરપોર્ટ પ્રશાસન દ્વારા તુરંત જરૂરી મદદ અને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. દરમિયાન, મુંબઈમાં હવામાન સાનુકૂળ થતાં જ એરપોર્ટ તંત્ર દ્વારા તમામ વિમાનોને ઉડાન ભરવાની લીલી ઝંડી આપવામાં આવી હતી. હવામાન ચોખ્ખું થયા બાદ હૈદરાબાદથી આવેલી ફ્લાઈટે મોડી રાત્રે લગભગ 9.30 વાગ્યાની આસપાસ મુંબઈ જવા માટે ટેક-ઓફ કર્યું હતું, જેની સાથે જ કલાકો સુધી અટવાયેલા મુસાફરોએ રાહત અનુભવી હતી.
