Baroda Dairy: બરોડા ડેરીની 69મી વાર્ષિક સભામાં રૂ.1572 કરોડનું બજેટ મંજૂર, પશુપાલકો માટે રૂ.90 કરોડથી વધુનો ભાવફેર જાહેર

ડેરીના મુખ્ય ખર્ચાઓનો ખ્યાલ આપતાં જણાવવામાં આવ્યું હતું કે વર્ષ દરમિયાન રૂ.118 કરોડની વિવિધ ખરીદી, રૂ.149 કરોડનું વેચાણ, રૂ.31.67 કરોડ માર્કેટિંગ ખર્ચ અને રૂ.6.48 કરોડ પરચૂરણ ખર્ચ પેટે ચૂકવાયા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 30 Sep 2026 12:23 PM (IST)Updated: Wed, 30 Sep 2026 12:23 PM (IST)
vadodara-news-baroda-dairy-holds-69th-annual-general-meeting-approves-rs-1572-crore-budget

Vadodara News: કેલનપુર સ્થિત દાદા ભગવાન મંદિર ખાતે બરોડા ડેરીની 69મી વાર્ષિક સાધારણ સભા ઉત્સાહભેર યોજાઈ હતી. ડેરીના પ્રમુખ દિનેશ પટેલ (દિનુ મામા)ના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભામાં સંસ્થાના વિકાસ, નાણાકીય સ્થિતિ અને પશુપાલકોના હિતને લગતા અનેક મહત્વના નિર્ણયો સર્વાનુમતે લેવામાં આવ્યા હતા.

સભા દરમિયાન પ્રમુખ દિનેશ પટેલે સંસ્થાનું રૂ.1491 કરોડનું વાર્ષિક ટર્નઓવર અને રૂ.5.64 કરોડથી વધુનો ચોખ્ખો નફો જાહેર કર્યો હતો. પશુપાલકોને પ્રોત્સાહિત કરવા અને તેમના આર્થિક શ્રમનું યોગ્ય વળતર આપવા માટે ડેરી દ્વારા રૂ.90 કરોડથી વધુ રકમનો ભાવફેર જાહેર કરવામાં આવ્યો છે, જેનાથી જિલ્લાના હજારો પશુપાલક પરિવારોમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે. આ ઉપરાંત, આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે રૂ.1572 કરોડનું વાર્ષિક બજેટ પણ સભામાં મંજૂર કરવામાં આવ્યું હતું.

પોતાના સંબોધનમાં દિનુ મામાએ વાસ્તવિક સ્થિતિનો સ્વીકાર કરતાં ખુલાસો કર્યો હતો કે ચાલુ વર્ષે ડેરીમાં દૂધની આવકમાં 75 લાખ લીટરનો ઘટાડો નોંધાયો છે. આ પડકાર છતાં સંસ્થાએ યોગ્ય સંચાલન અને માર્કેટિંગ વ્યૂહરચના દ્વારા મજબૂત નાણાકીય પરિણામો મેળવ્યા છે. ડેરીના મુખ્ય ખર્ચાઓનો ખ્યાલ આપતાં જણાવવામાં આવ્યું હતું કે વર્ષ દરમિયાન રૂ.118 કરોડની વિવિધ ખરીદી, રૂ.149 કરોડનું વેચાણ, રૂ.31.67 કરોડ માર્કેટિંગ ખર્ચ અને રૂ.6.48 કરોડ પરચૂરણ ખર્ચ પેટે ચૂકવાયા છે.

પોતાના સામાજિક ઉત્તરદાયિત્વ (CSR)ને નિભાવવામાં પણ બરોડા ડેરી અગ્રેસર રહી છે. વર્ષ દરમિયાન અવસાન પામેલા દૂધ મંડળીઓના 34 પ્રમુખ અને મંત્રીઓના પરિવારજનોને રૂ. 2-2 લાખની આર્થિક સહાય પૂરી પાડીને સંસ્થાએ તેમના પરિવાર પ્રત્યે સંવેદના અને ટેકો વ્યક્ત કર્યો હતો. વાર્ષિક હિસાબો અને નફા-નુકસાનની વહેંચણી સહિતના તમામ ઠરાવોને સભાસદો દ્વારા સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.