Vadodara: ફતેગંજમાં લુખ્ખા તત્વો બેખૌફ, પૈસાની લેતી-દેતીમાં ઘાતક હથિયારો લઈ 4 ઈસમો યુવક પર તૂટી પડ્યા

'મેરે ભાઈ કે પાસ પૈસે ક્યું માંગતા હૈ'- કહી નવાયાર્ડના માથાભારે શખ્સોએ યુવક પર હુમલો કર્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 06 Feb 2025 05:11 PM (IST)Updated: Thu, 06 Feb 2025 05:11 PM (IST)
vadodara-news-4-attacked-on-youth-over-money-dispute
HIGHLIGHTS
  • ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

Vadodara: વડોદરા શહેરમાં ફરી એક વખત ફતેગંજ વિસ્તારમાં નાણાંની લેતીદેતી મુદ્દે ચાર જેટલા ઈસમો એક યુવક ઉપર હથિયાર વડે હિંસક હુમલો કર્યો હતો. જેમાં યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે ફતેગંજ પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરમાં હવે અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ રહ્યો ના હોય તેમ એક પછી એક જાહેરમાં હિંસક હુમલા કરવામાં આવતા હોવાના બનાવો સામે આવતા હોય છે. થોડા સમય પૂર્વે જ ફતેગંજમાં ગેંગવોર થઈ હતી. જે બાદ આજે ફરી એક વખત નાણાંની લેતીદેતી મુદ્દે ચાર શખ્સો એક યુવક ઉપર તૂટી પડ્યા હતા. હથિયારો વડે તેને માર મારવામાં આવતા યુવક ગંભીર રીતે ઈજાગ્રત થયો છે. 'મેરે ભાઈ કે પાસ પૈસે ક્યું માંગતા હૈ'- કહીને મારામારી કરી હતી.

પ્રાથમિક તપાસમાં નવાયાર્ડમાં રહેતો મહેતાબ ઉર્ફે લલ્લુ કલ્લુખાન પઠાણ તથા બંટી પઠાણ અને અન્ય બે ઈસમો દ્વારા આ લોકો ઉપર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં ઘાયલ મોહમ્મદ ખાલી મોહમ્મદ ઇલિયાસખાન પઠાણને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના જાહેરમાં બનતા લોક ટોળા એકત્ર થતા હુમલાખોરો સ્થળ પરથી યુવકને મારીને ફરાર થઈ ગયા હતા. જ્યારે બનાવની જાણ થતા જ ફતેગંજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદને આધારે હુમલાખોરોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.