Surat: શહેરના કાપોદ્રા વિસ્તારમાં બે અલગ-અલગ મહિલાઓના ગળામાંથી સોનાનું મંગળસુત્ર અને ચેઈન સ્નેચિંગનો બનાવ બન્યો હતો, આ ગુનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢીને રત્ન કલાકારને ઝડપી પાડ્યો છે. જેમાં આરોપી રત્ન કલાકાર ઑનલાઈન જુગારમાં રૂપિયા હારી જતા ચેઈન સ્નેચિંગના રવાડે ચડ્યો હોવાનું સામે આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના કાપોદ્રા વિસ્તારમાં લક્ષ્મણનગર માર્કેટમાંથી ગત 4 અને 5 ફ્રેબુઆરીના રોજ બે અલગ અલગ મહિલાઓના ગળામાંથી બાઈક સવાર ઇસમ સોનાનું મંગળસૂત્ર તથા ચેઈન સ્નેચિગ કરીને ફરાર થઇ ગયો હતો. આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં બે અલગ અલગ ગુના નોંધાયા હતા. આ બનાવને લઈને કાપોદ્રા પોલીસની ટીમે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી અને મોટા વરાછા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય કુલદીપભાઈ કાંતિભાઈ કાવઠીયાને ઝડપી પાડ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું, આરોપી રત્નકલાકાર તરીકે કામ કરે છે અને તેને મોબાઈલ ફોનમાં ઓનલાઈન ગેમિંગ આઈડી ઉપર જુગાર રમવાની ટેવ પડી ગઈ હતી. જેમાં તે પૈસા હારી જતા આ સ્નેચિંગ કર્યું હતું અને સ્નેચિગ કરેલા મંગળસૂત્ર અને ચેઈન ઉપર ગોલ્ડ લોન મેળવી ઓનલાઈન ગેમિંગ આઈડી ઉપર જુગાર રમવા ઉપયોગ કર્યો હતો. વધુમાં પોલીસે તેના વિરુદ્ધમાં અલગથી જુગાર ધારા કલમ મુજબનો ગુનો નોંધ્યો છે.
આ બાબતે કપોદ્રા પીઆઈ એમ.બી.ઔસુરાએ જણાવ્યું કે કાપોદ્રા વિસ્તારમાં લક્ષ્મણનગર એરિયામાં મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી માટે આવતી હોય છે. જેમાં ગત 4 અને 5 ફ્રેબુઆરીના રોજ બપોરના આશરે 1 થી દોઢ વાગ્યાના ગાળામાં સતત બે દિવસ સુધી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર અને ચેઈન ખેચવાના બનાવો બન્યા હતા. એક જ પેટનથી એક જ સમયગાળામાં આ બનાવ બન્યા હતા જેથી કાપોદ્રા પોલીસની ટીમે આ બનાવને ખુબ જ ગંભીરતાથી લેવામાં આવ્યો હતો અને આ ગુનો શોધવા સર્વેલન્સની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આ ગુનામાં વરાછા વિસ્તારમાં રહેતા કુલદીપભાઈ કાવઠીયાને ઝડપી પાડ્યો છે, જે સીમાડાનાકા વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરે છે
આ વ્યક્તિ જુગારનો શોખીન હોય અને ઓનલાઈન ગેમિંગમાં પોતે પૈસા હારી ગયો હતો અને પૈસા હારી જતા તેને આવું સુજ્યું હતું. સતત બે દિવસ સુધી ચેઈન સ્નેચિગ કર્યું હતું અને આ બંને ચેઇનો તેણે મુથુટ ફાઈનાન્સમાં ગીરવે મુકીને લોન લઈને ઓનલાઈન જુગાર રમેલો છે. જેથી આ બંને ગુના ડિટેક થયા છે અને સાથો સાથ જુગારનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ મુદામાલ મુથુટ ફાયનાન્સમાં જમા હોય જેને કબજે લેવાની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
