Vadodara: પોદ્દાર વર્લ્ડ સ્કૂલની દાદાગીરી, લૉગો વિનાના સ્કૂલ ડ્રેસ પહેરતા વિદ્યાર્થીઓને TC પકડાવી દેવાની ધમકી આપી

DEO કચેરીમાંથી એજ્યુકેશન ઈન્સ્પેક્ટર દોડતા થતાં શાળા સંચાલકોની શાન ઠેકાણે આવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 06 Feb 2025 04:38 PM (IST)Updated: Thu, 06 Feb 2025 04:38 PM (IST)
vadodara-news-poddar-world-school-managment-unjust-force-with-student-on-uniform-issue
HIGHLIGHTS
  • વાલી મંડળની આગેવાનીમાં સ્કૂલ પહોંચેલા વાલીઓનું વિરોધ પ્રદર્શન

Vadodara: વડોદરા શહેર નજીક આવેલ શેરખીની પોદ્દાર વર્લ્ડ સ્કૂલ વિવાદમાં આવી છે. જેમાં લૉગો વગરના સ્કૂલ ડ્રેસ પહેરેલા વિદ્યાર્થીઓને ટ્રાન્સફર સર્ટિફિકેટ આપવાની ધમકી આપી હતી. જેથી કરીને બાળકોનો વાલીઓ વડોદરા વાલી મંડળની આગેવાનીમાં સ્કૂલ પહોંચ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો.

વડોદરા શહેર નજીક શેરખી ખાતે આવેલી પોદ્દાર વર્લ્ડ સ્કૂલમાં વિદ્યાર્થીઓને લોગો વગરના સ્કૂલ ડ્રેસ પહેરતા ટ્રાન્સફર સર્ટિફિકેટ આપવાની ધમકી આપવામાં આવતા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. વાલીઓએ વાલી મંડળનો સંપર્ક કરતા વાલી મંડળના પ્રમુખ દીપક પાલકરની આગેવાનીમાં વાલીઓ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા.

સ્કૂલના પહેલા ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે શાળાએ સૂચવેલી દુકાનમાં કપડા મોંઘા હોવાથી વાલીઓએ ડ્રેસ બહારથી ખરીદ્યો હતો. જો કે બહારથી ખરીદેલા ડ્રેસમાં સ્કૂલનો લોગો નહીં હોવાથી બાળકોને બહાર કાઢી મૂકવામાં આવ્યા હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે વાલીઓ દ્વારા DEO કચેરીમાં ઈ-મેઈલ મારફરે જાણ કરવામાં આવી હતી. જેથી DEO કચેરીમાંથી એજ્યુકેશન ઈન્સ્પેક્ટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. આખરે શાળા સંચાલકોને નમતુ જોખવું પડ્યું હતુ. આખારે વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે સમાધાન થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે એક વિદ્યાર્થીના વાલી આનંદસિંહે જણાવ્યું કે, અમને કોલ આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, અમે તમારા બાળકને ટ્રાન્સફર સર્ટીફિકેટ આપ્યું છે. તમે તમારા બાળકને લઈને જતા રહો. આ મામલે ગઈકાલે મારી પત્ની અને સ્કૂલના મેડમ વચ્ચે માથાકૂટ પણ થઈ હતી. મારો બાળક બીજે ક્યાં ભણવા જશે? તેની ચિંતા થતાં હું પણ સ્કૂલ પર આવ્યો હતો અને આખરે વિવાદનો અંત લાવ્યા હતા.

બીજી તરફ વાલી મંડળના પ્રમુખ દિપક પાલકરે જણાવ્યું કે, ગુજરાત સરકારની ગાઈડલાઈન છે. પેરેન્ટ્સને જ્યાં સસ્તુ અને સારું મળે, ત્યાં વાલી જઈને ખરીદી કરી શકે. આમ છતાં શાળા સંચાલકો બેફામ બન્યા છે અને દાદાગીરી કરી રહ્યા છે.

માત્ર પેન્ટ પર સ્કૂલનો લોગો નથી. તમે આઈ કાર્ડ આપ્યું છે અને ટી-શર્ટ પર તમારો લોગો છે. જ્યારે પેન્ટ પર ખિસ્સાની સાઈડમાં લોગો ના હોવાથી આટલો મોટો ઈસ્યું બનાવવા જેવો નહતો. આમ છતાં 8-10 વિદ્યાર્થીઓને બહાર કાઢી નાંખવામાં આવ્યા હતા. જો કે વાલીઓ આગળ આવ્યા અને ઓલ ગુજરાત વાલી મંડળનો સંપર્ક કર્યો, ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.