Vadodara: સાવલી તાલુકાની ધરા ધ્રુજી ઉઠી, એક કલાકમાં ભૂકંપના 3 આંચકા આવતા ભયભીત લોકો ખુલ્લા મેદાનમાં ભાગ્યા

સવારે 10:20, 10:30 અને 11:20 કલાકે ભૂકંપના આંચકા આવ્યા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 1.8 થી 2ની વચ્ચે નોંધાઈ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 10 Sep 2025 08:53 PM (IST)Updated: Wed, 10 Sep 2025 08:53 PM (IST)
vadodara-news-3-tremors-in-just-one-hours-earthquake-hits-savli
HIGHLIGHTS
  • ડુંગરપુરા, તાડીયાપુરા, શિહોરા અને પ્રથમપુરામાં આંચકા અનુભવાયા
  • સાવલીના મામલતદારો ઘટના સ્થળે પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો

Vadodara: વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આજે સવારે હળવા ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. લાંછનપુરા ગામથી ડેસર સુધી આ આંચકા અનુભવાયા હોવાના અહેવાલ મળ્યા છે. સવારે 10.20, 10.30 અને 11.20 વાગ્યે કુલ ત્રણ વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે ગ્રામજનો અને સ્કૂલના બાળકો ગભરાઈને ખુલ્લા મેદાનમાં દોડી ગયા હતા.

સાવલી તાલુકાના ડુંગરાપુરા, તાડીયાપુરા, શિહોરા અને પ્રથમપુરા સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ સાવલી મામલતદાર જીગ્નેશ પટેલ અને સંબંધિત અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ગ્રામજનોની વાતો સાંભળી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સુરક્ષા પૂર્વક કેટલીક શાળાઓમાં બાળકોને બહાર બેસાડવામાં આવ્યા હતા. જેથી કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક માહિતી મુજબ રિકટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 1.8 થી 2 વચ્ચે નોંધાઈ છે. સદભાગ્યે હાલ સુધી કોઈ જાનહાનિ કે નુકસાનની માહિતી સામે આવી નથી. જો કે એક જ સવારે ત્રણ વાર આંચકા અનુભવાતા ગ્રામજનો ભયભીત બન્યા છે.

naidunia_image

સાવલીના મામલતદાર જીગ્નેશ પટેલે ગુજરાતી જાગરણ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રથમપુરા, સિહોર, ડુંગરીપુરા અને ગારીયાપુરા ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમે સ્થળ મુલાકાતે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. ગાંધીનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અનુસાર આ ભૂકંપની તીવ્રતા 1.8 થી 2 વચ્ચે નોંધાઈ છે.

પ્રશાસન દ્વારા લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે અને પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં હોવાની ખાતરી આપવામાં આવી છે.