Vadodara: ગત મોડી રાતે શિનોર તાલુકાની સીમળી અને સેગવા ચોકડી વચ્ચે બે બાઈક સામ-સામે અથડાતા ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પિતા-પુત્રી સહિત 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, એક બાઈક પર 5 જણા, જ્યારે બીજા બાઈક પર 2 લોકો જઈ રહ્યા હતા. જેમાં એક બાઈક પર દિનેશભાઈ વસાવા (30) પોતાના 3 બાળકો સાથે ડભોઈના વણાદરાથી શિનોરના સીમળી ગામે પોતાની સાસરીમાં જઈ રહ્યા હતા. જ્યારે બીજા બાઈક પર બે શ્રમિકો મોટા ફોફળીયાથી સેગવા તરફ આવી રહ્યા હતા.
જ્યારે તેઓના બાઈક સીમળી અને સેગવા ચોકડીની વચ્ચે પહોંચ્યા, ત્યારે જ સામસામે ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બન્ને બાઈકના ટાયર પણ છૂટા પડી ગયા હતા.
આ અકસ્માતની જાણ થતાં શિનોર પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં દિનેશભાઈ અને તેમની એક 8 વર્ષીય દીકરી તેમજ એક શ્રમિકને મૃત જાહેર કર્યા હતા. જ્યારે 4 ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસડેવામાં આવ્યા છે. જે પૈકી એક બાળકની હાલત ગંભીર હોવાથી તેને વધુ સઘન સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ તો શિનોર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
