Vadodara: નેશનલ હાઈવે પર ગેરેજમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ, રૂ. 7 લાખના મુદ્દામાલ સાથે સગીર સહિત 3ની ધરપકડ

કપુરાઈ પોલીસની ટીમ સાવરિયા ઢાબાની બાજુમાં ખુલ્લા ગેરેજમાં ત્રાટકી. જ્યાં પાણી અને ખાતર આપીને ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવતું હોવાનું પકડાયું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 18 Nov 2025 09:34 PM (IST)Updated: Tue, 18 Nov 2025 09:34 PM (IST)
vadodara-news-3-held-with-marijuana-palnts-in-open-garage-on-national-highway-48
HIGHLIGHTS
  • મચ્છીપીઠ નજીકની ઈમારતમાં SOGની ટીમે દરોડો પાડી મેફેડ્રોન ડ્રગ્સ પકડ્યું

Vadodara: વડોદરા નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા સાવરિયા ઢાબા પાસેના એક ખુલ્લા ગેરેજમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ચાલી રહ્યું હોવાની ગુપ્ત માહિતીના આધારે કપુરાઈ પોલીસે દરોડો પાડી ત્રણ શખ્સને ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટના સ્થળેથી કુલ 13.750 કિલો વજનના ચાર લીલા ગાંજાના છોડ અને ત્રણ મોબાઈલ ફોન મળી સહિત રૂ. 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

કપુરાઈ પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.સી. રાવલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરી રહેલા સ્ટાફને સૂચના મળી હતી કે તરસાલી બ્રિજથી જામ્બુવા તરફ જતા માર્ગ પર સાવરિયા ઢાબાની બાજુમાં આવેલા જીયો ટાવર પાસેના લોખંડના પતરાંવાળા ખુલ્લા ગેરેજમાં ત્રણ ઈસમોએ ગેરકાયદે ગાંજાના છોડ ઉછેરી રહ્યા છે. બાતમી અનુસાર, તેઓ ગેરેજના કમ્પાઉન્ડમાં ખુલ્લી જગ્યામાં નિયમિત રીતે પાણી અને ખાતર આપીને છોડનું ઉછેર કરતા હતા તેમજ તેનો ઉપયોગ અને વેચાણ પણ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.

આ માહિતીની ચકાસણી કરવા પોલીસે તાત્કાલિક રેડ પાડી હતી. અહીં તપાસ દરમિયાન કમ્પાઉન્ડના પૂર્વ અને દક્ષિણ દિશાના ત્રિકોણીય ખૂણામાં તારની જાળી પાસે લાઈનમાં વાવેલા ચાર લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. છોડની ઊંચાઈ, આકાર અને વિશિષ્ટ સુગંધને આધારે તે ગાંજાના છોડ જ હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે સ્થળ પર હાજર ત્રણેય ઈસમો પાસે ગાંજાનું વાવેતર કરવા માટે કોઈ માન્ય પરવાનગી કે દસ્તાવેજોની માંગણી કરતા તેઓ કોઈ પુરાવો રજૂ કરી શક્યા નહોતા.

તેથી પોલીસે ત્રણેય આરોપી વિજયકુમાર દુ:ખીરામ ગૌતમ, કુલદીપ શેરસિંગ જટાન અને કાયદાની ઝપેટમાં આવેલ એક સગીરની ધરપકડ કરી તેમની પાસેથી ચાર ગાંજાના છોડ (વજન 13.750 કિ.ગ્રા., કિંમત અંદાજે રૂ. 6,87,500) તેમજ ત્રણ મોબાઈલ ફોન જપ્ત કરાયા હતા.

naidunia_image

વડોદરામાં SOGની ટીમે મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક પેડલરને ઝડપી પાડ્યો
SOG પોલીસની ટીમે બાતમીના આધારે રાવપુરા મચ્છીપીઠ નાકા નજીક આવેલ મોદી હાઉસ નામની ઈમારતના ત્રીજામાળે દરોડો પાડી રૂ. 1.76 લાખની કિંમતના 58.700 ગ્રામ જેટલા મેફેડ્રોન ડ્રગ્સ સહિત કુલ 1.96 લાખના મુદ્દમાલ સાથે મહોમ્મદ રફીક ઈકબાલ મલેક (35)ની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક સપ્લાયરને વોન્ટેડ જાહેર કરીને તેની ધરપકડની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.