વડોદરામાં ભગવાન વિઠ્ઠલનાથજીનો 216મો ભવ્ય વરઘોડો: રાજાશાહી ઠાઠ સાથે નીકળ્યો વરઘોડો, હજારો ભક્તો ઉમટ્યા

વરઘોડો માંડવીથી પ્રસ્થાન કરી લેહરીપુરા, ન્યાય મંદિર, નવા કારેલીબાગ રોડ, લીંબુ વાડી થઈને ગણેશ્વર મહાદેવ સુધી પહોંચશે, જ્યાં હરિહરનું મિલન થશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 02 Nov 2025 04:02 PM (IST)Updated: Sun 02 Nov 2025 04:02 PM (IST)
vadodara-news-216th-royal-procession-of-lord-vitthalnathji-held-on-devuthani-ekadashi-631106

Vadodara News: વડોદરા શહેરમાં આજે દેવઉઠી એકાદશી નિમિત્તે ભગવાન વિઠ્ઠલનાથજીનો 216મો રાજાશાહી વરઘોડો ભવ્ય રીતે પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો. પરંપરા મુજબ રાજમાતા શુભાંગીનીદેવી રાજે ગાયકવાડના પૂજન-અર્ચન અને આરતી બાદ વરઘોડો માંડવી સ્થિત વિઠ્ઠલનાથજી મંદિરમાંથી નીકળ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને સમગ્ર શહેરમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો.

વરઘોડો માંડવીથી પ્રસ્થાન કરી લેહરીપુરા, ન્યાય મંદિર, નવા કારેલીબાગ રોડ, લીંબુ વાડી થઈને ગણેશ્વર મહાદેવ સુધી પહોંચશે, જ્યાં હરિહરનું મિલન થશે. ત્યારબાદ વરઘોડો સાંજે પોતાના નિજમંદિરે પરત ફરશે. શહેરના રાજમાર્ગો પર ઢોલ-નગારા, બેન્ડ-બાજા અને ઘોડેસવારોની સાથે વિઠ્ઠલનાથજીની પાલકી રાજાશાહી ઠાઠ સાથે પસાર થઈ હતી. લોકો ઘરોની છત પર અને રસ્તાઓની બાજુએ ઉભા રહી ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા.

આ પ્રસંગે રાજકીય આગેવાનો અને ગાયકવાડ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કોર્પોરેશન દ્વારા પણ પાલકીના માર્ગમાં આવેલી જર્જર ગ્રીલો ખસેડી ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી વરઘોડો સરળતાથી પસાર થઈ શકે. આ સાથે આજે સાંજે દલા પટેલની પોળથી ભગવાન રામજીનો વરઘોડો તથા રાત્રે રણછોડજી મંદિરથી ભગવાન રણછોડજીનો ભવ્ય વરઘોડો પણ નિકળશે. દસ વર્ષ બાદ એવી અનોખી તકો આવી છે કે દેવઉઠી અગિયારસ અને બારસ બંને એક જ દિવસે હોવાથી ત્રણેય વરઘોડા એકસાથે નીકળી રહ્યા છે.

વરઘોડા દરમિયાન હરિ ઓમ વ્યાસે જણાવ્યું કે આજે ચતુરમાસ પૂર્ણ થાય છે અને ભગવાન શુભ વિવાહ કરી ભક્તોને શુભ કાર્ય માટે આશીર્વાદ આપે છે. આજના દિવસે જે ભક્તો વરઘોડામાં જોડાશે અને પ્રભુનું સ્મરણ કરશે, તેમને અશ્વમેઘ યજ્ઞ સમાન પુણ્ય પ્રાપ્ત થશે. રાત્રે 9થી 11 વાગ્યા સુધી તુલસી વિવાહ તથા 11થી 12 વાગ્યા સુધી ચાંલ્લાની વિધિ યોજાશે. આખો કાર્યક્રમ ધાર્મિક શ્રદ્ધા, રાજાશાહી પરંપરા અને ભક્તિભાવના માહોલમાં શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ રહ્યો છે.