વડોદરામાં વિજયાદશમી નિમિત્તે 151 બહેનોને તલવાર અર્પણ, સ્ત્રી શક્તિનો અનોખો કાર્યક્રમ

કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય સ્ત્રી શક્તિના પ્રતિક રૂપે બહેનોને શસ્ત્ર અર્પણ કરી તેમને આત્મરક્ષા માટે સશક્ત બનાવવાનું રહ્યું.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 02 Oct 2025 04:01 PM (IST)Updated: Thu, 02 Oct 2025 04:01 PM (IST)
vadodara-news-151-women-receive-swords-on-vijayadashami-in-unique-display-of-shakti

Vadodara News: વડોદરા શહેરમાં વિજયાદશમીના પાવન અવસરે ગૌ ગંગા ગાયત્રી કાર્યક્રમ અંતર્ગત અનોખો દુર્ગા અસ્ત્ર અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે 151 બહેનોનું પૂજન કરી તેમને તલવાર અર્પણ કરવામાં આવી હતી. વિશેષતા એ રહી કે આ પૂજન તેમની ભાઈ, પતિ કે પિતા જેવી પુરુષ સભ્યની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય સ્ત્રી શક્તિના પ્રતિક રૂપે બહેનોને શસ્ત્ર અર્પણ કરી તેમને આત્મરક્ષા માટે સશક્ત બનાવવાનું રહ્યું. આજના સમયમાં સ્ત્રીઓ પોતાની સુરક્ષા માટે સ્વનિર્ભર બને તે અત્યંત જરૂરી બની ગયું છે. તલવાર અર્પણ કરવાનો આશય માત્ર ધાર્મિક પરંપરા સુધી મર્યાદિત ન રહીને બહેનોમાં આત્મવિશ્વાસ અને હિંમત જગાડવાનો હતો.

કાર્યક્રમનું સંચાલન સમાજમાં મહિલાઓના કલ્યાણ માટે વર્ષોથી કાર્યરત શોભનાબેન રાવલ દ્વારા કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે દશેરો એ અસત્ય પર સત્ય અને અણ્યાય પર ન્યાયના વિજયનું પ્રતિક છે. આવી ઘડીયે મહિલાઓ પણ પોતાના હક અને સુરક્ષા માટે જાગૃત તથા સજ્જ રહે તે સમયની માંગ છે.

ઉત્સવ સમારોહ દરમિયાન ઉપસ્થિત બહેનોમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી હતી. તલવાર પ્રાપ્ત કર્યાના આનંદ સાથે તેઓએ પોતાને મજબૂત, સશક્ત અને સ્વરક્ષાના માર્ગે આગળ વધવાની પ્રતિજ્ઞા લીધી હતી. આવો કાર્યક્રમ વડોદરા શહેરમાં પ્રથમવાર યોજાયો હતો, જેને લઈને સમાજમાં ખાસ ચર્ચા થઈ રહી છે. વિજયાદશમીના દિવસે આયોજિત આ અનોખા કાર્યક્રમ દ્વારા મહિલાશક્તિને સમ્માન સાથે આત્મવિશ્વાસ અને આત્મરક્ષાની દિશામાં પ્રેરણા મળી છે.

મહિલા સુરક્ષા સમિતિ ગુજરાતના ચેરપર્સન શોભનાબેન રાવલે જણાવ્યું હતું કે, "અમારો 'ગૌગંગા ગાયત્રી' કાર્યક્રમ આરએસએસ તરફથી ભેટમાં મળ્યો છે. તેમણે મને આ કાર્યક્રમ કરવાનું સૂચવ્યું હતું. 'ગૌગંગા ગાયત્રી'નો અર્થ છે: 'ગૌ' એટલે ગાય માતા અને તેની સાથે ભારત દેશની બધી દીકરીઓ, માતાઓ અને બહેનો.

'ગંગા' એટલે ભારત દેશની તમામ પવિત્ર નદીઓ જેવી કે ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, સિંધુ, ગોદાવરી, વગેરે. અત્યારે આપણે આ પવિત્ર નદીઓનું રક્ષણ કરવાની જરૂર છે, કારણ કે લોકો તેમાં રસાયણો ભેળવે છે અને કચરો નાખે છે. આ નદીઓને સાફ કરવાનો સમય આવી ગયો છે, જેથી આપણે શુદ્ધ પાણી પી શકીએ અને નદીઓ પણ શુદ્ધ થાય. બીજી વસ્તુ, 'ગાયત્રી' એટલે સનાતન ધર્મનું રક્ષણ કરવું.

આ કાર્યક્રમ અંતર્ગત, બહેન તેના ભાઈને 'દુર્ગાશસ્ત્ર' અર્પણ કરે છે અને કહે છે કે, 'ભાઈ, તું આ ગૌગંગા ગાયત્રી અને સિંધુનું રક્ષણ કર.' દીકરી તેના પિતાને આપશે અને કહેશે કે, 'પિતા, તમે ગૌગંગા ગાયત્રી સિંધુનું રક્ષણ કરો.' પત્ની તેના પતિને આપશે અને કહેશે કે, 'પતિશ્રી, આપ ગૌગંગા ગાયત્રી સિંધુનું રક્ષણ કરો.' આ અમારો મુખ્ય કાર્યક્રમ છે. અમે 151 'દુર્ગાશસ્ત્રો'નું વિતરણ કરી રહ્યા છીએ અને મારી સમગ્ર ટીમનો સહકાર મળવાને કારણે જ હું આ કાર્યક્રમ સફળતાપૂર્વક કરી શકી છું.