Vadodara: નવી દિલ્હી ખાતે ડો. શ્યામા પ્રસાદ મુખર્જી સ્વિમિંગ પૂલમાં આયોજિત 69મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં વડોદરાની તરવૈયા સ્મૃતિ સિંહે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી 4×100 મીટર મેડલી રિલે સ્પર્ધામાં કાંસ્ય પદક જીતી ગુજરાત અને વડોદરાનું નામ રોશન કર્યું છે. સ્મૃતિની આ સિદ્ધિ રાજ્ય માટે ગૌરવની ક્ષણ બની છે.
આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં વડોદરાથી કુલ 11 ખેલાડીઓની ટીમે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. છોકરાઓની સ્પર્ધા 30 નવેમ્બરથી 5 ડિસેમ્બર દરમિયાન યોજાઈ હતી, જ્યારે છોકરીઓની સ્પર્ધા 12થી 16 ડિસેમ્બર સુધી ચાલી હતી.
ગુજરાતની ટીમમાં નવ તરવૈયાઓ માધવ દૌડીયા, ભાવ્યા મહેતા, હર્ષ મહેશ્વરી, જયદીપ કિથોરિયા, ચિરાગ નેગી, પ્રિષા પંચોલી, અવની સિંહ, કાવી સિંહ અને સ્મૃતિ સિંહ તેમજ બે ડાઈવર્સ પવ્યા ઓડે અને તક્ષ મહેતા સામેલ હતા.
આ સ્પર્ધા દરમિયાન સ્મૃતિ સિંહે આત્મવિશ્વાસભર્યું અને તકનિકી રીતે મજબૂત પ્રદર્શન કરી રિલે ઈવેન્ટમાં કાંસ્ય પદક મેળવ્યું. આ ઉપરાંત માધવ દૌડીયા, ભાવ્યા મહેતા, અવની સિંહ અને સ્મૃતિ સિંહે પોતાના વ્યક્તિગત ઈવેન્ટમાં ટોપ-8માં સ્થાન મેળવી પ્રશંસનીય દેખાવ કર્યો હતો.
આ તમામ ખેલાડીઓએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના નેજા હેઠળ મુખ્ય કોચ વિવેક સિંહ બોરલિયા અને કૃષ્ણા પંડ્યાના માર્ગદર્શન હેઠળ કઠોર તાલીમ લીધી હતી. ટ્રેનર્સ સુબોધ કુમાર અને બિપિન કુમારના સહકારથી ખેલાડીઓના પ્રદર્શનમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
સ્મૃતિ સિંહનું પદક વિજય અને વડોદરાની ટીમની સક્રિય ભાગીદારી શહેર માટે ગૌરવની બાબત છે. તેમજ ગુજરાતમાં સ્વિમિંગ રમતના સતત વિકાસનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે.
