Gandhinagar: ગુજરાતમાં 9 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના થશે, કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ મંજૂરી આપી

દાહોદ, અરવલ્લી, તાપી, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, આણંદ, ડાંગ અને નવસારીમાં DCCBની રચના થશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 31 Dec 2025 04:39 PM (IST)Updated: Wed, 31 Dec 2025 04:39 PM (IST)
gandhinagar-news-9-district-co-operative-banks-formed-across-the-gujarat-chief-minister-approved-in-the-cabinet-meeting
HIGHLIGHTS
  • ગુજરાત સરકાર બેંકોની રચના માટે નાબાર્ડ મારફત RBIને દરખાસ્ત મોકલશે
  • વર્તમાન સહકારી બેંકોના વિભાજનથી નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો બનશે

Gandhinagar: ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાતમાં 9 નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની (DCCB) રચનાને મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ અંગે વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ જિલ્લાઓમાં ગ્રામ્ય સહકારી બેંકોનો વ્યાપ વધારવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. જેને પરિપૂર્ણ કરવા માટે કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ ભારતના સહકારિતા મંત્રાલય દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે.

આ પહેલના ભાગરૂપે નાબાર્ડ દ્વારા દેશના કેટલાક જિલ્લામાં નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના કરવા માટે સહકારિતા મંત્રાલયને એપ્રોચ નોટ રજૂ કરવામાં આવી હતી. આ નોટમાં ગુજરાતમાં પણ નવી 9 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના કરવા માટે એપ્રોચ કરવામાં આવ્યો હતો.

ભારત સરકારના દિશાનિર્દેશ હેઠળ આજે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખેડૂતો અને ગ્રામીણ નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે આ નવી 9 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ નિર્ણયથી છેવાડાના ખેડૂતોને ધિરાણ મેળવવામાં સરળતા રહેશે અને ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે. 

કઈ વર્તમાન સહકારી બેંકોનું વિભાજન થશે?

રાજ્યની વર્તમાન સહકારી બેંકોના વિભાજનથી નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના થશે. જેમાં પંચમહાલ બેંકના વિભાજનથી દાહોદ જિલ્લામાં, સાબરકાંઠા બેંકના વિભાજનથી અરવલ્લી જિલ્લામાં, સુરત બેંકના વિભાજનથી તાપી જિલ્લામાં, વડોદરા બેંકના વિભાજનથી છોટાઉદેપુર જિલ્લામાં, જામનગર બેંકના વિભાજનથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, જૂનાગઢ બેંકના વિભાજનથી પોરબંદર જિલ્લામાં, ખેડા બેંકના વિભાજનથી આણંદ જિલ્લામાં તેમજ વલસાડ બેંકના વિભાજનથી ડાંગ અને નવસારી જિલ્લામાં નવી બેંકોની રચના થશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

બેંકોની રચના માટે રાજ્ય સરકાર હવે નાબાર્ડ મારફતે ભારતીય રિઝર્વ બેંક (RBI)ને આ અંગેની દરખાસ્ત મોકલશે અને આગળની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરશે, તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.