Vadodara: વરસાદી મૌસમ વચ્ચે પંચમહાલ અને દાહોદ જિલ્લામાં હવે સેન્ડ ફ્લાયના શંકાસ્પદ કેસોથી ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. કાચા મકાનો અને માટીના ઘરોમાં ઉત્પન્ન થતી સેન્ડ ફ્લાય જેવી જીવાતના કારણે નાના બાળકોએ જીવના જોખમનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલમાં વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં પંચમહાલ અને દાહોદમાંથી તાવ, ઝાડા, ઉલટી અને ખેંચના લક્ષણો ધરાવતા ત્રણ બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાં બે બાળ દર્દીઓ હાલ આઇ.સી.યુ.માં ગંભીર હાલતમાં છે, જ્યારે એક બાળકને તાત્કાલિક સારવાર બાદ વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો
દાહોદ જિલ્લાના રિયાન મુનિયા નામના એક વર્ષના બાળકનું દુઃખદ અવસાન થયું છે. જોકે બાળકના મૃત્યુનું સાચું કારણ જાણવા માટે અને બીમારીની પુષ્ટિ માટે રિપોર્ટ ગાંધીનગર મોકલાયા છે.
આ પહેલા પણ મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ અને મધ્ય પ્રદેશથી શંકાસ્પદ વાયરસના લક્ષણો ધરાવતા કુલ 15 બાળકોને સારવાર માટે એસ.એસ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી 7 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જ્યારે અન્યના રિપોર્ટ અપેક્ષિત છે.
નોડલ ઓફિસર ડો. આશ્રુતિના જણાવ્યા પ્રમાણે, આરોગ્ય વિભાગ સ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે અને દરરોજ તમામ બાળકોને તાત્કાલિક સારવાર અપાઈ રહી છે. આ શંકાસ્પદ બીમારી ગામડાઓના કાચા મકાનોમાં રહેતા બાળકો માટે જીવલેણ સાબિત ન થાય તે માટે તંત્રએ સતર્કતા જરૂરી બનાવી છે.
