નવરાત્રી પૂર્વે વડોદરા SOGનું મેગા સરપ્રાઇઝ ચેકિંગ: બોમ્બ-ડોગ સ્ક્વોડ અને ડ્રોન કેમેરાથી ગરબા ગ્રાઉન્ડ્સ અને બસ સ્ટેશન પર સઘન સુરક્ષા સર્ચ

વડોદરામાં નવરાત્રી પહેલાં SOGનું મેગા સર્ચ અભિયાન! યુનાઇટેડ-વે, લક્ષ્મી વિલાસ પેલેસ ગરબા ગ્રાઉન્ડ અને સેન્ટ્રલ બસ સ્ટેશન પર બોમ્બ-ડોગ સ્ક્વોડ તથા ડ્રોન કેમેરાથી ચુસ્ત સુરક્ષા ચેકિંગ કરાયું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 08 Oct 2026 12:11 PM (IST)Updated: Thu, 08 Oct 2026 12:11 PM (IST)
vadodara-navratri-sog-mega-surprise-checking-bomb-dog-squad-drone-garba-ground-bus-station-security-search

Vadodara News: નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની ખાસ સૂચના અને SOG PI ડી.જે. ચુડાસમાના સીધા માર્ગદર્શન હેઠળ વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શહેરભરમાં મેગા સરપ્રાઇઝ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

બસ સ્ટેશન, શોપિંગ મોલ અને સિનેમા ઘરોમાં સઘન તપાસ

નવરાત્રી દરમિયાન બહારગામથી મોટી સંખ્યામાં આવતા ખેલૈયાઓ અને પર્યટકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા SOGની ટીમો બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે રસ્તા પર ઉતરી પડી હતી. પોલીસે સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે સઘન સુરક્ષા ચેકિંગ હાથ ધર્યું હતું. બસ સ્ટેશનના બેઝમેન્ટમાં પાર્ક કરાયેલા શંકાસ્પદ વાહનો, આસપાસની તમામ દુકાનો, શોપિંગ સેન્ટરો, સિનેમા હોલ તેમજ ગીચ વિસ્તારોમાં ખૂણે-ખૂણાની તપાસ કરવામાં આવી હતી.

ખ્યાતનામ ગરબા ગ્રાઉન્ડ્સ પર BDDS અને ડ્રોનથી નજર

શહેરના અતિ સંવેદનશીલ અને પ્રખ્યાત ગરબા સ્થળો એવા લક્ષ્મી વિલાસ પેલેસ અને VNF ગરબા ગ્રાઉન્ડ પર SOGની ટીમે અચાનક પહોંચી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ગરબા ગ્રાઉન્ડ, વિશાળ પાર્કિંગ એરિયા, ફૂડ સ્ટોલ્સ તેમજ આસપાસની અવાવરૂ જગ્યાઓની ડોગ સ્ક્વોડ અને મેટલ ડિટેક્ટરથી સંપૂર્ણ ચકાસણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત, વિશ્વપ્રસિદ્ધ યુનાઇટેડ-વે ગરબા ગ્રાઉન્ડ ખાતે સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે ડ્રોન કેમેરાથી હવાઈ સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. ગ્રાઉન્ડની એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ્સ, ભીડભાડ વાળા વિસ્તારો અને વિશાળ પાર્કિંગ ઝોન પર ડ્રોનની મદદથી બારીકાઈથી નજર રાખવામાં આવી હતી.

પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ રહેશે

કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના કે અનિચ્છનીય બનાવ ન બને અને ખેલૈયાઓ ભયમુક્ત વાતાવરણમાં ગરબે રમી શકે તે હેતુથી SOG દ્વારા આ અગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે. તહેવારો દરમિયાન પોલીસની આ પ્રકારની પેટ્રોલિંગ અને સરપ્રાઇઝ ચેકિંગ કામગીરી સતત ચાલુ રહેશે.