નવરાત્રી પૂર્વે વડોદરા પોલીસનું સઘન સરપ્રાઇઝ ચેકિંગ: ગરબા ગ્રાઉન્ડથી રેલવે સ્ટેશન સુધી બોમ્બ અને ડોગ સ્ક્વોડ સાથે સર્ચ ઓપરેશન

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડ સાથે મળીને શહેરના વિવિધ સંવેદનશીલ અને ભીડભાડવાળા સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 07 Oct 2026 02:42 PM (IST)Updated: Wed, 07 Oct 2026 02:42 PM (IST)
vadodara-news-police-conduct-intensive-surprise-checks-ahead-of-navratri

Vadodara News: ખેલૈયાઓના મનપસંદ તહેવાર નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા તેમજ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે વડોદરા પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું છે. શહેરના મુખ્ય ગરબા ગ્રાઉન્ડ્સથી લઈને સેન્ટ્રલ રેલવે સ્ટેશન સુધી પોલીસે સઘન તપાસ ઝુંબેશ ચલાવી હતી.

નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં ખેલૈયાઓ અને દર્શકો ગરબા ગ્રાઉન્ડ્સ પર એકઠા થતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડ સાથે મળીને શહેરના વિવિધ સંવેદનશીલ અને ભીડભાડવાળા સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ સુરક્ષા તપાસ અંતર્ગત વડોદરા સેન્ટ્રલ રેલવે સ્ટેશન પરિસર, એન્ટ્રી એન્ડ એક્ઝિટ ગેટ, પ્લેટફોર્મ તેમજ પાર્કિંગ વિસ્તારમાં પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. સ્ટેશન પર આવતા-જતા મુસાફરો અને તેમના સામાનનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, શહેરના પ્રખ્યાત અને મોટા ગરબા મહોત્સવના સ્થળો જેવા કે યુનાઇટેડ વે, વાયબ્રન્ટ નવરાત્રી અને સારા ફાઉન્ડેશનના ગ્રાઉન્ડ્સ પર પણ સુરક્ષા વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ ગ્રાઉન્ડ્સ પર બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી ખૂણે-ખૂણે તપાસ ચલાવવામાં આવી હતી જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના કે સુરક્ષામાં ચુક ન રહી જાય.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે શંકાસ્પદ વસ્તુઓ કે વ્યક્તિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ગરબા મહોત્સવ દરમિયાન હજારો ખેલૈયાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ પોલીસની પ્રાથમિકતા છે.

કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તે માટે આગામી નવરાત્રીના દિવસો દરમિયાન પણ શહેરમાં પોલીસનું પેટ્રોલીંગ વધારવામાં આવશે અને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવશે.