Vadodara Garba 2026: સંસ્કારી નગરી વડોદરામાં હાલ ભક્તિ, શ્રદ્ધા અને અપ્રતિમ ઉત્સાહના માહોલ વચ્ચે નવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. શહેરના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ (VNF)માં પાંચમા નોરતે લોકપ્રિયતાનો નવો સંગમ જોવા મળ્યો હતો. આ પાવન દિવસે એક સાથે 60,000થી વધુ ખેલૈયાઓએ પરંપરાગત અને શાલિન લુક સાથે ચાચરના ચોકમાં ગરબાની અદભુત રમઝટ બોલાવી હતી.
પરંપરાગત વેશભૂષા અને રજવાડી લુક રહ્યો આકર્ષણનું કેન્દ્ર
પાંચમા દિવસે ખેલૈયાઓમાં ભક્તિ અને ઉત્સાહનો અનોખો થનગનાટ જોવા મળ્યો હતો. યુવક-યુવતીઓ ગુજરાતી સંસ્કૃતિને શોભે તેવી આભલા મઢેલી પરંપરાગત ચણિયાચોળી, કેડિયા-ધોતી, પાગડી અને મનમોહક ટ્રેડિશનલ આઉટફિટ્સમાં સજ્જ થઈને આવ્યા હતા. ખેલૈયાઓની આ સંસ્કારી વેશભૂષા, રજવાડી જ્વેલરી અને દેશી અંદાજ સમગ્ર ગ્રાઉન્ડમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેમણે જ્યારે તાલીઓના તાલ પર ગરબે ઘૂમવાનું શરૂ કર્યું, ત્યારે નવલખી મેદાન લોકસંસ્કૃતિની ભવ્યતાથી ઝળહળી ઉઠ્યું હતું.

2015થી શરૂ થયેલી યાત્રા 12મા વર્ષે શિખરે
આ ભવ્ય સફળતા અંગે VNFના આયોજક મયંક પટેલે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "વડોદરાવાસીઓએ માઁ શક્તિની ભક્તિ સ્વરૂપે 60,000 કરતાં પણ વધુ ખેલૈયાઓ સાથે એક જ મેદાનમાં આરાધના કરી છે. વર્ષ 2015થી VNFના માધ્યમથી માઁ જગદંબાની આરાધનાની શરૂઆત થઈ હતી. આજે 12મા વર્ષે વડોદરાવાસીઓ તરફથી જે અદભુત, અકલ્પ્ય પ્રેમ અને ઉત્સાહવર્ધક પ્રતિસાદ મળ્યો છે તેનાથી અમે ગર્વ અને આનંદની લાગણી અનુભવીએ છીએ."

ગ્રાઉન્ડ નાનું પડે તેવો અદ્ભુત પ્રતિસાદ
મયંક પટેલે વધુમાં ઉમેર્યું કે, દર વર્ષે ખેલૈયાઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડ મોટું કરવામાં આવે છે, તેમ છતાં પ્રતિસાદ એટલો અદ્ભુત છે કે હજુ પણ ગ્રાઉન્ડ નાનું પડી રહ્યું હોય તેવી અનુભૂતિ થાય છે. આ નવરાત્રીનો અસલી રેકોર્ડ માઁ જગદંબાની કૃપાનો છે, આયોજકો તો માત્ર નિમિત્ત અને સેવક બનીને આ ચાચર ચોક સજાવવાનું અને ભક્તિનું ઘોડાપૂર લાવવાનું કાર્ય કરી રહ્યા છે.

