Vadodara News: સંસ્કારી નગરી વડોદરા એટલે ગરબાની પરંપરા, ભક્તિ અને ભવ્યતાનું પ્રતીક. નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સમગ્ર વડોદરા શહેર અત્યારે આદ્યાશક્તિની આરાધના અને ખેલૈયાઓના ઉત્સાહથી ગુંજી ઊઠ્યું છે. ટ્રેડિશનલ કુરતા-પાયજામા અને ચણિયાચોળીના ભાતીગળ પરિધાનમાં સજ્જ થઈને જ્યારે હજારો ખેલૈયાઓ એકસાથે તાલ મિલાવે છે, ત્યારે વડોદરાના ગરબા ગ્રાઉન્ડ્સ પર એક અદભુત અને મનમોહક દ્રશ્ય સર્જાય છે. આવી જ એક ભવ્ય રાત્રે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ખાતે સંસ્કૃતિ અને ભક્તિના રંગો સાથે સામાજિક જાગૃતિનું એક ચિરસ્મરણીય ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.
વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના ગરબા ગ્રાઉન્ડ પર શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગરબાની રમઝટ વચ્ચે હજારો ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા પણ કરી હતી. આ કાર્યક્રમની સૌથી વિશેષ અને ઐતિહાસિક ક્ષણ ત્યારે આવી જ્યારે પોલીસ કમિશનરે ગ્રાઉન્ડ પર હાજર 40 હજારથી પણ વધુ ખેલૈયાઓને વ્યસનમુક્તિ માટે સંકલ્પબદ્ધ કર્યા હતા.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે પોતે વ્યસનમુક્તિના શપથ લીધા હતા અને ગ્રાઉન્ડમાં ઉપસ્થિત તમામ ખેલૈયાઓ, આયોજકો તથા દર્શકોને પણ કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહેવા અને સ્વસ્થ સમાજના નિર્માણમાં યોગદાન આપવા શપથ લેવડાવ્યા હતા. એકસાથે 40 હજારથી વધુ યુવા ખેલૈયાઓએ મા અંબાના ગરબાના પવિત્ર મંચ પરથી વ્યસનમુક્તિના શપથ લેતા સમગ્ર વાતાવરણ સકારાત્મક ઊર્જા અને સંકલ્પથી ભરાઈ ગયું હતું.
પોલીસ કમિશનરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, નવરાત્રી એ માત્ર ઉત્સવ નથી પરંતુ આપણી સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક છે. યુવાધન એ દેશનું ભવિષ્ય છે અને જો આપણું યુવાધન વ્યસનમુક્ત રહેશે તો જ એક મજબૂત અને સુરક્ષિત ભારતનું નિર્માણ શક્ય બનશે.
વડોદરાના ગરબા તેની શિસ્ત, સુરક્ષા અને પરંપરાગત શૈલી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. રાસ-ગરબાના આ મહાપર્વમાં સુરક્ષા સાથે સાથે સામાજિક સુધારણાનો આ પહેલરૂપ સંદેશ આપી વડોદરા પોલીસે એક નવો જ રાહ ચિંધ્યો છે. આયોજકો અને ખેલૈયાઓએ પણ વડોદરા પોલીસના આ સરાહનીય પગલાંને વધાવી લીધું હતું અને આ રાત્રિ ભક્તિ, ઉત્સવ અને સામાજિક ઉત્તરાદાયિત્વનો ત્રિવેણી સંગમ બની રહી હતી.
