Vadodara News: વડોદરામાં નવરાત્રી ઉત્સવનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમી રહ્યા છે ત્યારે ગરબા ગ્રાઉન્ડ પર રમી રહેલી યુવતીઓ અને મહિલાઓની સલામતી માટે વડોદરા શહેર પોલીસે એક અભેદ્ય સુરક્ષા ચક્ર તૈયાર કર્યું છે. શહેરના પ્રખ્યાત સન ફાર્મા રોડ પર આયોજિત 'વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ' ખાતે વડોદરા પોલીસની ખાસ 'શી ટીમ' પૂરજોશમાં એક્શનમાં જોવા મળી હતી.
મહિલાઓની સુરક્ષા અને સુવિધાને પ્રાધાન્ય આપતા, ડીસીપી ઝોન-2 મંજીતા વણઝારાની અધ્યક્ષતામાં શી ટીમ ગરબા ગ્રાઉન્ડ પર તૈનાત કરવામાં આવી હતી. આ ટીમના સભ્યો માત્ર ગ્રાઉન્ડના મુખ્ય દ્વાર પર જ નહીં, પરંતુ ગરબાના રિંગની આસપાસ અને ભીડભાડ વાળા વિસ્તારોમાં પણ સતત એક્ટિવ રહીને સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છે. કોઈપણ અણબનાવ, છેડતી કે શંકાસ્પદ પ્રવૃત્તિને રોકવા માટે સીવિલ ડ્રેસ માં પણ મહિલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવી છે, જેથી મહિલાઓ અને યુવતીઓ કોઈપણ ભય વિના મોડી રાત સુધી સુરક્ષિત વાતાવરણમાં ગરબાનો આનંદ માણી શકે.

સન ફાર્મા રોડ પર યોજાતો 'વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ' વડોદરાના સૌથી લોકપ્રિય અને આકર્ષક ગરબા આયોજનોમાંનો એક ગણાય છે. આ મહોત્સવમાં વડોદરાની પ્રાચીન ગરબા સંસ્કૃતિ અને આધુનિક લાઈટિંગ-સાઉન્ડ સિસ્ટમનો અદભુત સમન્વય જોવા મળે છે. હજારો ખેલૈયાઓ એકસાથે રમી શકે તે માટે વિશાળ ગ્રાઉન્ડ, યોગ્ય પાર્કિંગ અને સીસીટીવી કેમેરાથી સજ્જ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ખેલૈયાઓ પરંપરાગત ચણિયાચોળી અને રંગબેરંગી કુરતા-ધોતીમાં સજ્જ થઈને ગરબે ઘૂમે છે, જેનાથી આખું ગ્રાઉન્ડ ભવ્ય અને ઉત્સાહસભર બની જાય છે.
વડોદરા શહેર પોલીસ અને ખાસ કરીને 'શી ટીમ'ની આ સક્રિય કામગીરીને કારણે ગરબે રમવા આવતી યુવતીઓ તેમજ તેમના પરિવારજનોમાં ભારે વિશ્વાસનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ તંત્રની આ વિશેષ પહેલથી સાબિત થાય છે કે સંસ્કારી નગરી વડોદરામાં મહિલાઓની સુરક્ષા હંમેશાં પ્રથમ પ્રાથમિકતા રહી છે.
