Vadodara Navratri 2026: વડોદરાના યુનાઈટેડ વે ગરબામાં વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ ગરબે ઘૂમ્યા

પરંપરાગત વાતાવરણ અને અતુલ પુરોહિતના સુરિલા સ્વરો વચ્ચે જ્યારે દેશની સીમાઓની રક્ષા કરતા વાયુસેનાના વડા ગરબાના મેદાનમાં ઉતર્યા, ત્યારે આખું મેદાન ભારત માતા કી જય ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 14 Oct 2026 02:55 PM (IST)Updated: Wed, 14 Oct 2026 02:55 PM (IST)
vadodara-navratri-2026-air-chief-marshal-amar-preet-singh-joins-united-way-garba

Vadodara News: સંસ્કારી નગરી વડોદરાની વિશ્વવિખ્યાત નવરાત્રીનો રંગ હવે દેશના ઉચ્ચ અધિકારીઓ અને સુરક્ષા દળોના વડાઓ પર પણ ઘેરો ચડી રહ્યો છે. વડોદરાના પ્રસિદ્ધ ‘યુનાઈટેડ વે ઓફ બરોડા’ના ગરબા મહોત્સવમાં ભારતીય વાયુસેનાના ચીફ અમર પ્રીત સિંહે (એ.પી. સિંહ) ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગે વાયુસેનાના વડા માત્ર અતિથિ બનીને જ ન રહ્યા, પરંતુ તેમણે ગરબાના તાલ પર ખેલૈયાઓ સાથે તાળીઓના તાલ મિલાવીને ગરબાની રમઝટ પણ બોલાવી હતી.

ગરબાના રંગે રંગાયા વાયુસેનાના વડા

પરંપરાગત વાતાવરણ અને અતુલ પુરોહિતના સુરિલા સ્વરો વચ્ચે જ્યારે દેશની સીમાઓની રક્ષા કરતા વાયુસેનાના વડા ગરબાના મેદાનમાં ઉતર્યા, ત્યારે આખું મેદાન "ભારત માતા કી જય" ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. ગરબાના રંગે રંગાયેલા ભારતીય વાયુસેનાના ચીફને પોતાની વચ્ચે ગરબે ઘૂમતા જોઈને ત્યાં હાજર હજારો ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને રોમાંચ જોવા મળ્યો હતો. દેશના આટલા મોટા અને જવાબદાર પદ પર બિરાજમાન અધિકારીનું વડોદરાના ગરબા ગ્રાઉન્ડ પર આ રીતે સાદગીપૂર્વક જોડાવું એ આખી સાંજનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું.

ભારતીય વાયુસેનાના 28મા ચીફ તરીકે કાર્યભાર સંભાળનાર એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ એક અત્યંત અનુભવી ફાઇટર પાઇલટ અને કુશળ આયોજક છે. વડોદરા શહેર સાથે ભારતીય વાયુસેનાનો ખૂબ જ ગાઢ અને વ્યૂહાત્મક સંબંધ છે, કારણ કે વડોદરામાં વાયુસેનાનો મહત્વપૂર્ણ એરફોર્સ સ્ટેશન આવેલો છે તેમજ તાજેતરમાં સી-295 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સાથે વડોદરા એવિએશન ક્ષેત્રે દેશનું મોટું કેન્દ્ર બન્યું છે.

વડોદરાનો ‘યુનાઈટેડ વે ગરબા’ તેના પરંપરાગત સંગીત, શિસ્તબદ્ધ આયોજન અને એકસાથે ૩૦ થી ૪૦ હજાર થી વધુ ખેલૈયાઓ વર્તુળાકારમાં રમે છે તે માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અહીં ગરબાથી થતી તમામ આવક સામાજિક સેવા અને ચેરિટી કાર્યો માટે વાપરવામાં આવે છે. દેશ-વિદેશમાંથી આવતા પ્રવાસીઓ ઉપરાંત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ માટે વડોદરાના યુનાઈટેડ વે ગરબા હંમેશા પ્રથમ પસંદગી રહ્યા છે.