Vadodara News: વડોદરામાં નવરાત્રીના પાવન પર્વનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે, પરંતુ શહેરના સુપ્રસિદ્ધ અને વિશ્વવિખ્યાત 'યુનાઈટેડ વે ઓફ બરોડા'ના ગરબામાં પહેલા જ નોરતે ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો હતો. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે મેદાનમાં પહોંચ્યા હતા, પરંતુ ગરબા પૂર્ણ થયા બાદ સુરક્ષા વ્યવસ્થાના ધાંધિયા સામે આવતા ખેલૈયાઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો. પ્રથમ નોરતે 40 ખેલૈયાઓના મોબાઇલ ચોરાયા હોવાની વિગતો પણ સામે આવી છે.
40થી વધુ ખેલૈયાઓના મોબાઈલ ચોરાઈ ગયા હોવાનું સામે આવ્યું
આ પણ વાંચો
ગરબાના પ્રથમ નોરતે જ ગ્રાઉન્ડમાં ભારે ભીડનો લાભ ઉઠાવીને તસ્કરો સક્રિય થઈ ગયા હતા. ગરબા પૂરા થયા બાદ જ્યારે ખેલૈયાઓ બહાર નીકળી રહ્યા હતા ત્યારે અચાનક ભાગદોડ અને ભીડ વચ્ચે અનેક લોકોના કિંમતી મોબાઈલ ફોન ગાયબ થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ 40થી વધુ ખેલૈયાઓના મોબાઈલ ચોરાઈ ગયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય સેંકડો લોકો પણ પોતાના કિંમતી સામાન માટે આમતેમ ભટકતા જોવા મળ્યા હતા.

મેનેજમેન્ટ અને પોલીસની બેદરકારી સામે આક્રોશ
ઘટના બાદ રોષે ભરાયેલા ખેલૈયાઓએ આયોજકો અને પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ કરી મેદાન પર ભારે હોબાળો મચાવ્યો હતો. પીડિત ખેલૈયાઓ મદદ માટે આમતેમ ભટક્યા હોવા છતાં આયોજકો તરફથી કોઈ યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો. ગરબા રસિકોનો આરોપ છે કે વિશાળ પંડાલ અને હજારોની ભીડ હોવા છતાં આયોજનમાં સુરક્ષાની ભારે ખામી જોવા મળી હતી.
બાઉન્સરોએ મદદ કરવાને બદલે ખેલૈયાઓને બહાર ધકેલ્યા
સૌથી વધુ આશ્ચર્યજનક અને શરમજનક બાબત એ રહી કે જ્યારે ખેલૈયાઓ પોતાની રજૂઆત કરવા અને મદદ માગવા પહોંચ્યા ત્યારે પોલીસ અને મેનેજમેન્ટ બંનેએ હાથ અદ્ધર કરી લીધા હતા. આયોજકો તરફથી ગોળગોળ જવાબો આપીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, મુશ્કેલીમાં મુકાયેલા ખેલૈયાઓને સાંત્વના કે મદદ આપવાને બદલે મેદાન પર તૈનાત બાઉન્સરોએ દાદાગીરી કરી ખેલૈયાઓને ગ્રાઉન્ડમાંથી બહાર ખદેડી મૂક્યા હતા. લાખો રૂપિયાના પાસ વેચીને આયોજન કરતા યુનાઈટેડ વે મેનેજમેન્ટની આ પ્રકારની બેદરકારી અને બાઉન્સરોના વર્તનથી ખેલૈયાઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં કડક સુરક્ષા આપવાની માંગ ઉઠી છે.
