Nepal Flash Floods: મૂળ વડોદરાના અને હાલ ન્યુઝીલેન્ડ ખાતે સ્થાયી થયેલા મિહિર પટેલ અને તેમના પત્ની કિન્નરી પટેલ નેપાળના પ્રવાસે ગયા બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયા હોવાના અહેવાલે વડોદરા અને વિદેશમાં વસતા તેમના પરિવારજનોમાં ભારે ચિંતા અને દોડધામ મચાવી દીધી છે.
આ દંપતી મુંબઈ સ્થિત એક જાણીતી ટ્રાવેલ્સ એજન્સી મારફતે નેપાળ પ્રવાસ માટે રવાના થયું હતું, પરંતુ નેપાળ પહોંચ્યાના થોડા જ સમય બાદ અચાનક તેમનો સંપર્ક પરિવાર સાથે સંપૂર્ણપણે તૂટી ગયો હતો.
આ પણ વાંચો
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, મિહિરભાઈ અને કિન્નરીબેન નિયમિતપણે પોતાના પરિવારના સંપર્કમાં રહેતા હતા, પરંતુ પ્રવાસ દરમિયાન અચાનક ફોન બંધ થઈ જતા અને કોઈ ખબર-અંતર ન મળતા વડોદરામાં રહેતા પરિવારજનોની વિમાસણમાં મૂકાઈ ગયા છે.
દંપતી સાથેનો સંપર્ક પુનઃસ્થાપિત કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા બાદ, કિન્નરીબેનના ભાઈ ચિરાગ પટેલે આ ગંભીર મામલે રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માટે આજીજી કરી છે.
ચિરાગ પટેલે ભારતીય વિદેશ મંત્રાલય અને નેપાળ સ્થિત ભારતીય દૂતાવાસ સમક્ષ વિશેષ અપીલ કરી છે. તેમણે માંગ કરી છે કે, નેપાળ પ્રશાસન સાથે ત્વરિત સમન્વય સાધીને દંપતીની શોધખોળ માટે સઘન બચાવ કામગીરી શરૂ કરવામાં આવે.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પરિવાર દ્વારા મુંબઈની સંબંધિત ટ્રાવેલ્સ એજન્સીનો સંપર્ક સાધવામાં આવ્યો છે. ટ્રાવેલ્સ એજન્સીના માધ્યમથી દંપતીનું છેલ્લું લોકેશન, હોટેલ બુકિંગ, ટૂર ગાઈડની વિગતો અને આખી પ્રવાસ યોજના અંગેની મહત્વપૂર્ણ માહિતી મેળવવાના પ્રયાસો ચાલુ છે.
સ્થાનિક પોલીસ તંત્ર અને રાજદ્વારી સ્તરે પણ પત્રવ્યવહાર કરીને આ પ્રવાસી દંપતીને હેમખેમ અને સુરક્ષિત શોધી કાઢવા માટેની કાયદાકીય તેમજ બચાવ પ્રક્રિયાઓ વધુ વેગવાન બનાવવામાં આવી છે.
આ અણધારી ઘટનાને પગલે વડોદરાના સગા-સંબંધીઓમાં ભારે ઉત્સુકતા અને ગુંગળામણભરી સ્થિતિ પ્રવર્તી રહી છે, અને સૌકોઈ દંપતીના હેમખેમ પરત ફરવાની પ્રાર્થના કરી રહ્યા છે.
