Nepal Flash Floods: નેપાળમાં આવેલા ભયાનક પૂર અને ભૂસ્ખલની ઘટનામાં અત્યાર સુધીમાં 162 લોકોના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ છે, જ્યારે હજુ પણ હજારો લોકો ગુમ હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે.
આ હોનારતમાં ગુજરાતના વિવિધ જિલ્લાના 11 પ્રવાસીઓ સહિત કુલ 178 ભારતીયો ગુમ થયા હોવાના અહેવાલ મળ્યા છે. જે પૈકી 21 ભારતીયોને બચાવી લેવામાં આવ્યા છે, જે પૈકી મોટા ભાગના તમિલનાડુના વતની હોવાનું માલૂમ પડ્યું છે.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર (SEOC) દ્વારા જણાવ્યા પ્રમાણે, કૈલાશ માનસરોવર યાત્રા અને ટ્રેકિંગ માટે ગયેલા ગુજરાતના 11 શ્રદ્ધાળુઓ નેપાળમાં સર્જાયેલી પૂર અને જળપ્રલયની કુદરતી આપત્તિ બાદ સંપર્ક વિહોણા થઈ ગયા છે. આ કુદરતી હોનારતમાં ફસાયેલા ગુજરાતીઓમાં મોટાભાગના અમદાવદા, સુરત, આણંદ, મહેસાણા અને અમરેલી જિલ્લાના લોકોનો સમાવેશ થાય છે. જ્યારે વલસાડની એક મહિલા સુરક્ષિત હોવાની પુષ્ટિ થતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગુમ થયેલા ગુજરાતના મોટાભાગના શ્રદ્ધાળુઓ કૈલાશ માનસરોવર યાત્રા અને ટ્રેકિંગ દરમિયાન કેરુંગ અને રસુવાગઢી સરહદ જેવા કપરા ભૌગોલિક વિસ્તારોમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂર અને ભૂસ્ખલનને કારણે આ માર્ગો પર સંપર્ક સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેના લીધે છેલ્લા 24 થી 48 કલાકથી તેઓનો પરિવારો સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી.
અમદાવાદ અને સુરતના 3-3 તેમજ આણંદમાં 2 શ્રદ્ધાળુંઓ ગુમ થયા
વડોદરા અને અમદાવાદ સ્થિત કંટ્રોલ રૂમમાં નોંધાયેલી માહિતી મુજબ, અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા પૂજા ફ્લેટના રહેવાસી કિન્નરી પટેલ અને મિહિર પટેલ હાલ ગુમ છે. આ બંને પ્રવાસીઓ રિચા ટુર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કેરુંગ માર્ગે કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયા હતા. કિન્નરી પટેલ સાથે છેલ્લો સંપર્ક ગત રોજ સવારે 04:51 કલાકે થયો હતો,
આણંદ જિલ્લાના વિદ્યાનગર રોડ પર આવેલા પુનિત પાર્કમાં રહેતા બે અમેરિકન નાગરિકો (ભારતીય મૂળના) પણ નેપાળમાં ફસાયા હોવાની આશંકા છે. બિમલકુમાર પટેલ અને જયમિનાબેન પટેલ સાથે ગત રોજ સવારથી કોઈ સંપર્ક થઈ શક્યો નથી. તેઓ 'નમસ્તે નેપાળ ટ્રેકિંગ એન્ડ રિસર્ચ હબ' દ્વારા કૈલાશ માનસરોવરની યાત્રા પર હતા.
અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા અશોકભાઈ કાપડી સાથે ગઈ કાલે સવારે સાડા 8 કલાકે છેલ્લે વાત થઈ હતી, જે બાદ તેઓ સંપર્કવિહોણા છે. આ ઉપરાંત અમદાવાદના નવા વાડજ વિસ્તારના રહેવાસી અને અમેરિકન નાગરિક દિનેશભાઈ પ્રાગજીભાઈ પટેલ પણ ગુમ છે.
મહેસાણાના વતની અને હાલ ઓસ્ટ્રેલિયન નાગરિક ભાવિનકુમાર રાવલ અન્ય 26 લોકોના ગ્રુપ સાથે નેપાળની યાત્રાએ હતા. તેઓ 'નેપાળ કૈલાશ જર્ની ટૂર' સાથે જોડાયેલા હતા અને છેલ્લે ગઈકાલે સવારે 8 કલાકે સંપર્ક થયો હતો.
