વડોદરામાં નરસિંહજીના વરઘોડાને લઈને ટ્રાફિક ફેરફાર: જાણો ક્યાં રહેશે વાહનવ્યવહાર અને પાર્કિંગ પર પ્રતિબંધ

24 નવેમ્બર, મંગળવારના રોજ બપોરે 3 વાગ્યે એમ.જી. રોડ પર આવેલા ભગવાન શ્રી નરસિંહજીના મંદિરથી વરઘોડાનો પ્રારંભ થશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 22 Nov 2026 06:59 PM (IST)Updated: Sun, 22 Nov 2026 06:59 PM (IST)
vadodara-narsinh-ji-varghodo-november-24-traffic-diversion-and-no-parking-notification

Vadodara Narsinh Ji no Varghodo: વડોદરા શહેરમાં આગામી 24 નવેમ્બરના રોજ યોજાનાર ભગવાન શ્રી નરસિંહજીના વરઘોડાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર જાહેર કરવામાં આવ્યા છે. 24 નવેમ્બરે બપોરે 3 વાગ્યે એમ.જી. રોડ સ્થિત નરસિંહજી મંદિરથી વરઘોડો નીકળશે અને 25 નવેમ્બરે સવારે 5 વાગ્યે પરત ફરશે. આ દરમિયાન વરઘોડાના રૂટ પરના રસ્તા પર વાહન વ્યવહાર અને પાર્કિંગ પ્રતિબંધ રહેશે. વાહનચાલકોની સુવિધા માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

24 નવેમ્બરે બપોરે વરઘોડાનો પ્રારંભ

24 નવેમ્બર, મંગળવારના રોજ બપોરે 3 વાગ્યે વડોદરાના એમ.જી. રોડ પર આવેલા ભગવાન શ્રી નરસિંહજીના મંદિરથી વરઘોડાનો પ્રારંભ થશે. વરઘોડો લહેરીપુરા દરવાજા, માંડવી, બેંક રોડ, ચાંપાનેર દરવાજા, અડાણિયાપુલ ચાર રસ્તા, કુંભારવાડા પોલીસ સ્ટેશન, કપુરાઈ ચાર રસ્તા અને તુલસીવાડી સહિતના માર્ગો પરથી પસાર થશે.

ત્યારબાદ વરઘોડો તુલસીવાડી ખાતે આવેલા તુલસી મંદિરે પહોંચશે. ત્યાં ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ વરઘોડો પરત ફરશે અને 25 નવેમ્બર, બુધવારના રોજ સવારે 5 વાગ્યે શ્રી નરસિંહ ભગવાનના મંદિરે પહોંચશે.

પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું

ધાર્મિક કાર્યક્રમ દરમિયાન જાહેર જનતાને અગવડતા ન પડે અને ટ્રાફિકનું સુચારુ સંચાલન થઈ શકે તે માટે વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 33(1)(બી) હેઠળ બહાર પાડવામાં આવેલા આ જાહેરનામા મુજબ, 24 નવેમ્બરના રોજ બપોરે 3 વાગ્યાથી 25 નવેમ્બરના રોજ સવારે 5 વાગ્યા સુધી અથવા વરઘોડો પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રણ અમલમાં રહેશે.

પાર્કિંગ-વાહનવ્યવહાર પર પ્રતિબંધ

વરઘોડો જે માર્ગો પરથી પસાર થવાનો છે તે વિસ્તારમાં ટ્રાફિકની અવરજવર નિયંત્રિત કરવામાં આવશે. આ માર્ગો પર વાહનોના પાર્કિંગ અને અવરજવર અંગે પ્રતિબંધો લાગુ રહેશે, જેથી વરઘોડો સરળતાથી પસાર થઈ શકે અને શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન પડે.

વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ જાહેર

વરઘોડાને કારણે મુખ્ય રૂટ પર ટ્રાફિક નિયંત્રણ લાગુ રહેવાનું હોવાથી વાહનચાલકોએ મુસાફરી દરમિયાન વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે. ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગ જાહેર કરવામાં આવ્યા છે.