VMC Elections 2026: ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આ જાહેરાત થતાની સાથે જ સમગ્ર રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 26 એપ્રિલ મતદાન થશે અને 28 એપ્રિલે મતગણતરી થશે.
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચની જાહેરાત મુજબ, રાજ્યની કુલ 6 મહાનગરપાલિકાઓ, 11 જિલ્લા પંચાયતો, 82 તાલુકા પંચાયતો અને 27 નગરપાલિકાઓ માટે આ ચૂંટણીનો શંખનાદ વાગ્યો છે. સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા (Model Code of Conduct) અમલી બની ગઈ છે. વધુમાં, ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો
વડોદરા મહાનગરપાલિકાના તમામ 19 વોર્ડમાં કુલ 12,08,333 મતદારો નોંધાયેલા છે. જેમાં 6,12,988 પુરુષ અને 5,95,345 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.
વડોદરા શહેરના મતદારો
| વોર્ડ નંબર | પુરુષ મતદાર | સ્ત્રી મતદાર | કુલ મતદાર |
| વોર્ડ - 1 | 32164 | 30633 | 62797 |
| વોર્ડ - 2 | 27694 | 27694 | 54659 |
| વોર્ડ - 3 | 25724 | 25321 | 51045 |
| વોર્ડ - 4 | 30294 | 28541 | 58835 |
| વોર્ડ - 5 | 30278 | 29336 | 59614 |
| વોર્ડ - 6 | 32885 | 31833 | 64718 |
| વોર્ડ - 7 | 29583 | 29396 | 58979 |
| વોર્ડ - 8 | 35709 | 34616 | 70325 |
| વોર્ડ - 9 | 38199 | 36926 | 75125 |
| વોર્ડ - 10 | 43847 | 42718 | 86565 |
| વોર્ડ - 11 | 34223 | 34192 | 68415 |
| વોર્ડ - 12 | 35887 | 34508 | 70395 |
| વોર્ડ - 13 | 26391 | 26451 | 52842 |
| વોર્ડ - 14 | 30310 | 29484 | 59794 |
| વોર્ડ - 15 | 30816 | 30095 | 60911 |
| વોર્ડ - 16 | 34262 | 32914 | 67176 |
| વોર્ડ - 17 | 26953 | 26693 | 53646 |
| વોર્ડ - 18 | 31522 | 30528 | 62050 |
| વોર્ડ - 19 | 36247 | 34195 | 70442 |
ચૂંટણી કાર્યક્રમની મહત્વની તારીખો
- ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત: 6 એપ્રિલ
- ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ: 11 એપ્રિલ
- ઉમેદવારી ફોર્મની ચકાસણી: 13 એપ્રિલ
- ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ: 15 એપ્રિલ
- મતદાનનો દિવસ: 26 એપ્રિલ (સવારે 7:00-સાંજે 6:00)
- મતગણતરી અને પરિણામ: 28 એપ્રિલ
રાજ્ય વહીવટી તંત્ર એક્શન મોડમાં
ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજ્યનું વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ થઈ ગયું છે. આચારસંહિતાના ચુસ્ત પાલન માટે સરકારી કર્મચારીઓની બદલી તેમજ રજા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
આ ઉપરાંત, કોઈપણ પ્રકારની નવી ગ્રાન્ટ ફાળવવા, લોકાર્પણ કરવા કે વિવેકાધીન ફંડના ઉપયોગ પર રોક લગાવી દેવાઈ છે. ચૂંટણી એકદમ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા કડક સૂચના જારી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Vadodara: સંજયનગરના રહીશોનો પાલિકા કચેરીએ ‘હલ્લાબોલ’, ઘરની રાહ જોતા પરિવારોનો પિત્તો ગયો
તમામ રાજકીય પક્ષોમાં ધમધમાટ શરૂ
સ્થાનિક સ્વરાજના આ મહાસંગ્રામમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે રસાકસીભર્યો જંગ ખેલાય તેવી પ્રબળ શક્યતા છે. આગામી 15 એપ્રિલે ફોર્મ પાછા ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ જ હરીફાઈનું સાચું ચિત્ર સ્પષ્ટ થશે. હાલમાં તમામ પક્ષોએ પોતાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અને ચૂંટણી પ્રચારની રણનીતિઓ તેજ બનાવી દીધી છે.
આ ચૂંટણીઓને ગુજરાતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોના વિકાસનો પાયો માનવામાં આવે છે. ત્યારે ખાસ કરીને મહાનગરપાલિકાઓની પ્રતિષ્ઠાભરી બેઠકો પર સૌની મીટ મંડાયેલી છે. આગામી દિવસોમાં રાજ્યમાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચશે તે નિશ્ચિત છે.
